Sat Sep 05 2026

Logo

નેપાળમાં શ્રદ્ધાળુઓ ભરેલી જીપ 700 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 17 લોકોના મોત

Kathmandu   2026-04-30 22:50:05
Author: Vimal Prajapati
નેપાળમાં શ્રદ્ધાળુઓ ભરેલી જીપ 700 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 17 લોકોના મોત

કાઠમંડુ: પાડોશી દેશ નેપાળમાંથી એક અત્યંત દુખદ સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. નેપાળના રોલ્પા જિલ્લામાં એક ખાનગી જીપ પહાડી રસ્તા પરથી લપસીને આશરે 700 મીટર ઊંડી ખીણમાં ખાબકતા 17 લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. શ્રદ્ધાળુઓ વૈશાખ પૂર્ણિમાના ઉત્સવમાં સામેલ થવા જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના ત્યારે ઘટી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. 

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, આ અકસ્માત રોલ્પા જિલ્લાની થવાંગ ગ્રામીણ નગરપાલિકાના જલજલા વિસ્તારમાં થયો છે. આ વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદને કારણે રસ્તો કાદવ વાળો અને લપસણો બની ગયો હતો. જેથી કાદવમાં જીપના ટાયર લપસી જતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને જીપ સીધી પહાડી પરથી 700 મીટર નીચે ઊંડી ખીણમાં પડી હતી.

તમામ મૃતકો હિંદુ શ્રદ્ધાળુઓ હોવાનું જાણવા મળ્યું 

પોલીસના જણાવ્યા પ્રમાણે આ જીપમાં સવાર લોકો ખાનગી વાહન ભાડે કરીને જલજલા જઈ રહ્યા હતા. શુક્રવારે વૈશાખ પૂર્ણિમાના પવિત્ર અવસરે જલજલામાં એક ધાર્મિક ઉત્સવ અને અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ મૃતકો હિંદુ શ્રદ્ધાળુઓ હોવાનું જાણવા મળ્યું છે, જેઓ રૂકુમકોટથી પવિત્ર તીર્થસ્થળ જલજલા તરફ જઈ રહ્યા હતા. પરંતુ તેઓ દર્શનાર્થે પહોંચે તે પહેલા તેમને કાળ ભરખી ગયો છે.

મૃત્યુઆંક વધી શકે તેવી આશંકા

દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જોકે, પહાડી વિસ્તાર અને ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી હતી. અકસ્માત સમયે જીપમાં કુલ કેટલા મુસાફરો સવાર હતા તેની ચોક્કસ માહિતી હજુ સુધી મળી શકી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યાં પ્રમાણે મૃત્યુઆંક વધવાની આશંકા પણ સેવાઈ રહી છે.