નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે ભૂરાજકીય તણાવમાં વધારો થવાથી આર્થિક અનિશ્ચિતતાઓ પણ સપાટી પર આવી હોવાથી ગત એપ્રિલ મહિનામાં વિદેશી રોકાણકારો અથવા તો ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ)ની ભારતીય ઈક્વિટી માર્કેટમાં અવિરત વેચવાલી જળવાઈ રહેતાં રૂ. 60,847 કરોડનો (6.5 અબજ ડૉલરનો) બાહ્યપ્રવાહ જળવાઈ રહ્યો હતો. ગત એપ્રિલ મહિનામાં જોવા મળેલા બાહ્યપ્રવાહ સાથે વર્તમાન કેલેન્ડર વર્ષ 2026ના પહેલા ચાર મહિનામાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો ચોખ્ખો બાહ્યપ્રવાહ આગલા સમગ્ર નાણાકીય વર્ષ 2025ના રૂ. 1.66 લાખ કરોડનાં બાહ્યપ્રવાહ સામે વધીને રૂ. 1.92 લાખ કરોડનો રહ્યો હોવાનું એનએસડીએલએ આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
એકંદરે વર્ષ 2026માં અત્યાર સુધીમાં એકમાત્ર ફેબ્રુઆરી મહિનાને બાદ કરતાં તમામ મહિનાઓમાં એફપીઆઈની ચોખ્ખી વેચવાલી રહી હતી, જેમાં જાન્યુઆરી મહિનામાં રૂ. 35,962 કરોડની, માર્ચ મહિનામાં રૂ. 1.17 લાખ કરોડની અને એપ્રિલ મહિનામાં રૂ. 60,847 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે ફેબ્રુઆરી મહિનામાં રૂ. 22,615 કરોડની લેવાલી રહી હતી, જે 17 મહિનાનો સૌથી મોટી માત્રામાં આંતરપ્રવાહ રહ્યો હતો.
બજાર વર્તુળોના જણાવ્યાનુસાર એફપીઆઈની વેચવાલીનું દબાણ મુખ્યત્વે વૈશ્વિક ભૂરાજકીય જોખમોમાં થયેલા વધારા અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને આભારી છે. મોર્નિંગસ્ટાર ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઈન્ડિયાના રિસર્ચ વિભાગના પ્રિન્સિપાલ મેનેજર હિમાંશુ શ્રીવાસ્તવાએ જણાવ્યું હતું કે મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધવાની સાથે જોખમી પરિબળોમાં વધારો થવાથી ક્રૂડતેલના ભાવમાં વધારો થવાથી વૈશ્વિક સ્તરે ફુગાવામાં વધારો થવાની ચિંતા સપાટી પર આવતા એપ્રિલ મહિનામાં એફપીઆઈની વેચવાલીના દબાણમાં વધારો થયો છે.
ખાસ કરીને ફુગાવામાં થનારા અપેક્ષિત વધારાને કારણે વ્યાજદરમાં કાપની શક્યતા નબળી પડતાં ભારત સહિતની ઊભરતી બજારોમાં રોકાણ કરવા અંગે રોકાણકારોનું માનસ ખરડાયું હતું. તે જ પ્રમાણે એપ્રિલ મહિનાના બાહ્યપ્રવાહ માટે એન્જલ વનનાં ફંડામેન્ટલ એનાલિસ્ટ વકાર જાવેદ ખાને પણ અમેરિકા-ઈરાન વચ્ચે વધેલા તણાવને કારણભૂત ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આ સમયગાળામાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવે બેરલદીઠ 100 ડૉલરની સપાટી વટાવી હતી અને ડૉલર સામે રૂપિયો પણ નબળો પડી રહ્યો હોવાથી ફુગાવામાં વધારો થવાની સાથે વેપાર ખાધ અને ચાલુ ખાતાની ખાધ પણ વધવાની શક્યતા તથા નિફ્ટીનું વૅલ્યુએશન પીઈ રેશિયોથી 21 ગણું ઊંચું રહેતાં એફપીઆઈનું વેચવાલીનું દબાણ વધ્યું હોવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.