Tue Apr 28 2026

Logo

શેરબજાર: શું ઇન્ફોસિસ દેશની ટોચની ૧૦ કંપનીમાંથી બાકાત?

2026-04-28 18:44:05
Author: Nilesh Waghela
Article Image

નિલેશ વાઘેલા

મુંબઇ:
એક સમયે માર્કેટ લીડર ગણાતી ઇન્ફોસિસનું મૂલ્ય નોંધપાત્ર રીતે ઘટી ગયું છે અને તે ભારતની ટોચની ૧૦ કંપનીઓમાંથી બહાર નીકળી ગઈ હોવાનું બજારના અભ્યાસુ જણાવે છે. બજારના સાધનો અનુસાર રોકાણકારો ભવિષ્યના વિકાસ અને ક્લાયન્ટ ખર્ચ અંગે ચિંતિત છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તકો અને પડકારો બંને રજૂ કરે છે.

આઇટી ક્ષેત્ર એક એવા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, જે સ્થાપિત ખેલાડીઓ પર અસર કરી રહ્યું છે. ઇન્ફોસિસ આ વિકસતા બજાર ગતિશીલતા સાથે અનુકૂલન સાધી રહી છે. કંપનીએ આ વર્ષે બજાર મૂલ્યમાં બે લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન નોંધાયું છે અને તે ભારતની ૧૦ સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાંથી બહાર નીકળી ગઈ છે.

બજારના સાધનો અનુસાર કંપનીના બજારમૂલ્યનો આ ઘટાડો આગામી સમયમાં વૃદ્ધિ સંભાવના, ક્લાયન્ટ ખર્ચ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની લાંબા ગાળાની અસર અંગે વધતી ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે. કંપનીના તાજેતરના ત્રિમાસિક પરિણામો પછી તેના શેરમાં વેચવાલી વધુ તીવ્ર બની છે.
નાણાકીય પરિણામની જાહેરાત પછી શુક્રવારે એક જ સત્રમાં શેર લગભગ સાત ટકાનો કડાકો બોલાયો હતો, જેના કારણે વર્ષનો ઘટાડો લગભગ ૩૦ ટકા સુધી પહોંચ્યો હતોે અને તેનું માર્કેટ કેપટિલાઇઝેશન આશરે રૂ. ૪.૯ લાખ કરોડ જેવું રહ્યું હતું. અલબત્ત આ પછી સોમવારે તેના શેરમાં થોડો સુધારો થયો હતો પરંતુ આજે બુધવારે શેરમાં ફરી ૧.૪૮ ટકાનો ઘટાડો નોંધાયો છે.

ઇન્ફોસીસ લાંબા સમયથી ભારતના આઇટી સેક્ટર અને બ્લુચિપ નિફ્ટી ઇન્ડેક્સ માટે અગ્રણી કંપનીનું સ્થાન ધરાવતી હતી. જોકે, ઉપરોક્ત ઘટાડાએ ચિત્ર પગલી નાંખ્યું છે. હવે ઇન્શ્યોરન્સ ક્ષેત્રની ટોચની કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પ (એલઆઇસી) રૂ. ૫.૧ લાખ કરોડના મૂલ્ય સાથે ટોચની દસ કંપનીની યાદીમાં પ્રવેશી છે.

નોંધવું રહ્યું કે, ટાટા કંસલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) પણ ટોચના પાંચ કંપનીઓની યાદીમાંથી બહાર નીકળી ગઈ છે, જે આઇટી શેરોના વ્યાપક ડી-રેટિંગનો સંકેત આપે છે. આઇટી શેરોમાં તાજેતરની વેચવાલી માટે તાત્કાલિક ટ્રિગર નબળી કમાણી નહીં, પરંતુ ભવિષ્ય માટેની નબળી સંભાવનાઓ હતી.
ઇન્ફોસિસે માર્ચ ક્વાર્ટરમાં રૂ. ૪૬,૪૦૨ કરોડની આવક નોંધાવી હતી, જે વાર્ષિક ધોરણે ૧૩ ટકા વધી હતી, જ્યારે ચોખ્ખો નફો વધીને રૂ. ૮,૫૦૧ કરોડ થયો હતો, જે અંદાજ કરતાં વધુ હતો. જોકે, નાણાકીય વર્ષ ૨૭ માટે કંપનીનું ગાઇડન્સ, સ્થિર ચલણમાં ૧.૫૦ ટકાથી ૩.૫૦ ટકા આવક વૃદ્ધિ જાહેર કરવામાં આવ્યું હતું, જે બજારની અપેક્ષાઓ કરતાં ઓછું રહ્યું અને ધીમી વૃદ્ધિનો તબક્કો થોડા સમય માટે રહેવાનો છે તે દૃષ્ટિકોણને મજબૂત બનાવ્યો.