Tue Apr 28 2026

Logo

યુએઈનો મોટો નિર્ણય: ઓપેકમાંથી બહાર નીકળવાની કરી જાહેરાત

DUBAI   2026-04-28 19:24:55
Author: Mumbai Samachar Team
Article Image

દુબઈઃ સંયુક્ત આરબ અમીરાતે (યુએઈ) આજે તેલ ઉત્પાદક દેશોના સમૂહ ઓપેક અને ઓપેક પ્લસમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયથી તેલની નિકાસ કરતા જૂથ અને તેના વાસ્તવિક નેતા સાઉદી અરેબિયાને મોટો ફટકો પડ્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઈરાન યુદ્ધે ઐતિહાસિક ઉર્જા સંકટ ઉભું કર્યું છે અને વૈશ્વિક અર્થતંત્રને અસ્થિર બનાવ્યું છે.

યુએઈના ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે ઊર્જા ક્ષેત્ર, પેટ્રોલિયમ ક્ષેત્ર અને અન્ય રણનીતિઓની કાળજીપૂર્વક સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુએઈ લાંબા સમયથી ઓપેક અને ઓપેક પ્લસનું સભ્ય છે. પરંતુ ભવિષ્યમાં વિશ્વને વધુ ઊર્જાની જરૂર પડશે અને માંગ વધશે. તેમણે કહ્યું કે યુએઈને લાગે છે કે આ નીતિગત નિર્ણય લેવાનો આ યોગ્ય સમય છે.

એક નિવેદનમાં યુએઈના ઉર્જા મંત્રી સુહેલ અલ મઝરઈએ કહ્યું હતું કે, "ઓપેકમાંથી બહાર નીકળવાનો નિર્ણય સેક્ટરની નીતિઓ સાથે સંબંધિત ઘટનાક્રમ અનુસાર છે. અમે દાયકાઓથી સહયોગ માટે ઓપેક અને સભ્ય દેશોનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમે વિશ્વસનીય, જવાબદાર પુરવઠો પૂરો પાડીને વૈશ્વિક બજાર સ્થિરતાને ટેકો આપીને ઊર્જા સુરક્ષા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દોહરાવીએ છીએ."

સૌથી મોટી ચિંતાઓમાંની એક હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા રહી છે. ટ્રમ્પે આ ગ્રુપ પર ભાવ ઉંચા રાખીને "બાકીના વિશ્વને છેતરવાનો" આરોપ મૂક્યો છે. તેમણે દલીલ કરી છે કે જ્યારે અમેરિકા સભ્ય દેશોને લશ્કરી સુરક્ષા પૂરી પાડે છે ત્યારે તેઓ તેલના ઊંચા ભાવ રાખીને આનો લાભ ઉઠાવે છે.