(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ એક દાયકા બાદ ગુજરાતમાં ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ એટલે કે ઘોરાડના બચ્ચાંનો જન્મ થયો હતો અને તેને જડબેસાલક સુરક્ષા આપવામાં આવી હતી, પરંતુ જન્મના 26 દિવસમાં જ તે ગાયબ થઈ ગયું હોવાના નિરાશાજનક અહેવાલો આવ્યા છે. લગભગ 50 ગાર્ડ્સ, 24 કલાકની દેખરેખ, ખાસ ઊભા કરાયેલા વૉચટાવર પણ આ પક્ષીને રોકવામાં નિષ્ફળ ગયા હતા.
વન અધિકારીઓએ જણાવ્યું હતું કે 18 એપ્રિલથી બચ્ચું દેખાયું નથી. વારંવાર શોધખોળ કરવા છતાં, તે તેની ટૅગ કરેલી મા પાસે પણ મળ્યું નથી.
લુપ્ત થઈ જતી પ્રજાતિના આ બચ્ચાંના જન્મએ એક આશા જગાવી હતી અને તેને ઝેડ પ્લસ સુરક્ષામાં રાખવામાં આવ્યું હતું. તેના અદ્રશ્ય થવાથી હવે રાજ્યના સંરક્ષણ તંત્રની તપાસ થશે તેમ લાગી રહ્યું છે.
અગાઉ પણ આ પ્રજાતિના પક્ષીઓ ખોવાયા છે. ડિસેમ્બર 2018 માં, રાજ્યનો એકમાત્ર નર બસ્ટાર્ડ ગાયબ થઈ ગયો હતો અને ક્યારેય મળ્યો નથી. ત્યારથી તેની વસ્તી ઘટીને ફક્ત ત્રણ માદા થઈ ગઈ છે. તાજેતરમાં બચ્ચું આવ્યા બાદ બે માદાને પણ ટેગ કરવામાં આવી હતી જેથી મોનિટરિંગ યોગ્ય રીતે થઈ શકે.
વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સાથે સંકળાયેલા એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે નેસ્ટિંગ સાઈટને જોઈએ તેવું રક્ષણ ન મળ્યું હોવાથી અને વિલંબ થયો હોવાથી આ નુકસાન થયું હોઈ શકે.
હવે, જીઆઈબી બચ્ચાનો કોઈ પત્તો ન હોવાથી, તેને જીવિત શોધવાની આશા ધૂંધળી થઈ ગઈ છે, તેમ નિષ્ણાતો માને છે.