Sat Apr 25 2026

Logo

સપ્તાહ દરમિયાન ક્રૂડતેલની વધઘટ પર સોનાના ભાવની વધઘટ અવલંબિત

2026-04-25 20:31:08
Author: Ramesh Gohil
Article Image

રમેશ કે ગોહિલ
તંગ પુરવઠા વચ્ચે સ્થાનિકમાં સોનાના ભાવ વૈશ્વિક ભાવની તુલનામાં આૈંસદીઠ 15 ડૉલર પ્રીમિયમમાં  અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો થવાના આશાવાદ સાથે ગત સપ્તાહના અંતે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ એક ટકાના ઘટાડા સાથે બેરલદીઠ 100 ડૉલરની અંદર ઊતરી ગયા હોવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો. જોકે, ગત સપ્તાહે ગુરુવાર સુધી ઈરાન અમેરિકા સાથે વાટાઘાટો કરવા સહમત ન હોવાને કારણે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં અને ડૉલર ઈન્ડેક્સમાં તેજીનું વલણ રહ્યું હતું અને ક્રૂડતેલના ભાવ વધી આવતાં ફુગાવો વધવાની ભીતિ સપાટી પર આવવાની સાથે  વધતા ફુગાવાના સંજોગોમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પણ નબળી પડતાં સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. એકંદરે સપ્તાહના અંતે વૈશ્વિક સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવા છતાં સાપ્તાહિક ધોરણે બે ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. 
વધુમાં ગત સપ્તાહ દરમિયાન વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવવધારાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં પણ મજબૂત વલણ રહ્યું હોવાથી સ્થાનિક સ્તરે ડૉલર સામે રૂપિયામાં સપ્તાહ દરમિયાન 125 પૈસાનું ધોવાણ થવાથી સ્થાનિકમાં સોના અને ચાંદીની આયાત પડતરો વધી આવતા સ્થાનિકમાં વિશ્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવઘટાડો 10 ગ્રામદીઠ રૂ. 176 સુધી અને ચાંદીમાં ઘટાડો કિલોદીઠ રૂ. 6115 સુધી મર્યાદિત રહ્યો હતો. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં સોનાના 10 ગ્રામદીઠ વેરારહિત ધોરણે ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 17મી એપ્રિલના રૂ. 1,51,655ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 1,52,002ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,50,664 અને ઉપરમાં રૂ. 1,52,355ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 176 અથવા તો 0.11 ટકાના ઘટાડા સાથે રૂ. 1,51,479ના મથાળે બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે હાજરમાં વેરારહિત ધોરણે ચાંદીના કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 17મી એપ્રિલના રૂ. 2,49,940ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 2,51,154ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,40,596 અને ઉપરમાં રૂ. 2,51,154ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 6115 અથવા તો 2.44 ટકા ઘટીને રૂ. 2,43,825ની સપાટીએ બંધ રહ્યા હતા. 
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આગલા સપ્તાહે 19 એપ્રિલના રોજ અક્ષય તૃતીયાની છૂટીછવાઈ માગ રહ્યા બાદ ગત સપ્તાહે સોનામાં  માગ દબાણ હેઠળ રહી હતી. તેમ છતાં વર્તમાન નાણાકીય વર્ષમાં સરકારે સોના અને ચાંદીની આયાત માટેની અધિકૃતતા આપતી બૅન્કોની યાદી વિલંબથી જાહેર કરી હોવાથી સોનાની આયાત અટવાઈ જવાથી સ્થાનિકમાં પુરવઠા સ્થિતિ તંગ રહેતાં સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 15 ડૉલર પ્રીમિયમમાં ઓફર કરી રહ્યા હતા. જોકે, આ પૂર્વેના સપ્તાહે ડીલરો સોનાના ભાવ આૈંસદીઠ ચાર ડૉલર ડિસ્કાઉન્ટથી લઈને 14 ડૉલર પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા. ગત સપ્તાહે સરકારે જે બૅન્કોને સોના-ચાંદીની આયાત માટે અધિકૃતતા આપવામાં આવી છે તેની યાદી જાહેર કરી હોવા છતાં સોના પર કેટલો ટેક્સ લાગશે તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હોવાથી હજુ બૅન્કો આયાત કરતી નથી, પરિણામે પુરવઠાખેંચની સ્થિતિને કારણે હાલ પ્રીમિયમ 10 સપ્તાહની ટોચે પ્રવર્તી રહ્યા છે, એમ મુંબઈ સ્થિત એક ટ્રેડરે જણાવ્યું હતું. વધુમાં અમદાવાદ સ્થિત એક જ્વેલરે જણાવ્યું હતું કે અખાત્રીજ પશ્ચાત્‌‍ રિટલ સ્તરની માગ શાંત પડી છે, પરંતુ જો ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,50,000ની અંદર ઊતરે તો માગ ખૂલવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
ગત શુક્રવારે ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી પાકિસ્તાનના ઈસ્લામાબાદ ખાતે શાંતિના પ્રસ્તાવોની રજૂઆત કરવા જશે, પરંતુ તેઓ અમેરિકી વાટાઘાટકર્તાઓને નહીં મળે એવા પાકિસ્તાની સૂત્રોના અહેવાલને ધ્યાનમાં લેતાં વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આવ્યો હોવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.6 ટકા વધીને આૈંસદીઠ 4721.15 ડૉલર અને સોનાના જૂન ડિલિવરી વાયદામાં ભાવ 0.4 ટકા વધીને 4740.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ઘટ્યા મથાળેથી 1.4 ટકાના ઉછાળા સાથે આૈંસદીઠ 76.49 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આમ અનિશ્ચિતતાના વાતાવરણમાં ઈરાનના શાંતિ પ્રસ્તાવોના મુદ્દે તેલના ભાવ ઘટી આવતા સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું આરજેઓ ફ્યુચર્સના માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ ડેનિયલ પેવિલોનિસે જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે આ પૂર્વે અમેરિકાએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં નાકાબંધી જાળવી રાખી હોવાથી ઈરાન શાંતિ મંત્રણા માટે તૈયાર ન હોવાથી ક્રૂડતેલના ભાવમાં ઝડપી તેજી આવી હોવાથી સોનાના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. 
અમેરિકા દ્વારા સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગની નાકાબંધીની ક્રૂડતેલના પુરવઠા પર સીધી અસર પડી રહી હોવાથી ક્રૂડતેલના ભાવ વધી રહ્યા છે, ક્રૂડતેલના ભાવ વધતાં ફુગાવો વધવાની શક્યતા અને ફુગાવાને અંકુશમાં રાખવા માટે કેન્દ્રવર્તી બૅન્કોને વ્યાજદરમાં કાપ મૂકવો મુશ્કેલ બને તેવી ધારણાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા છે, પરંતુ ચાંદીને ઔદ્યોગિક માગનો ટેકો મળી રહ્યો છે. આથી આગામી સપ્તાહ દરમિયાન રોકાણકારોની નજર અમેરિકા અને ઈરાનના શાંતિ પ્રસ્તાવો પર અને બન્ને દેશો વચ્ચે સમજૂતી થાય છે કે નહીં તેના પર તથા ક્રૂડતેલના ભાવની વધઘટ પર કેન્દ્રીત થયેલી રહેશે, એમ એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોના માટે આૈંસદીઠ 4890 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક અને 4600 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થશે, જ્યારે ચાંદીના ભાવ આૈંસદીઠ 67થી 83 ડૉલર આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે. વધુમાં સ્થાનિક સ્તરે સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,40,000થી 1,56,000ની રેન્જમાં અને ચાંદીના ઓનલાઈન વાયદામાં ભાવ કિલોદીઠ રૂ. 2,25,000થી 2,60,000ની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.