(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં પડેલા અતિભારે વરસાદના સમયે સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીની આવક વિપુલ પ્રમાણમાં થઈ છે, જેના કારણે અનેક ડેમ છલોછલ ભરાઈ ગયા છે અને વહીવટી તંત્ર દ્વારા તેમને 'હાઈ એલર્ટ' પર મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 43.33 વરસાદ નોંધાઈ ચૂક્યો છે, ત્યારે રાજ્યમાં પડેલા વરસાદને કારણે 21 જળાશયોને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, તે પૈકી 13 જળાશયો માત્ર સૌરાષ્ટ્રના છે.
આ ડેમોની વાત કરીએ તો, અમરેલી જિલ્લાના ધાતરવડી અને સુરજવાડી, ભાવનગરના રોજકી અને શેત્રુંજી, મોરબીનો મચ્છુ-2, તેમજ સુરેન્દ્રનગરના વંસલ અને ધોળીધજા ડેમ સંપૂર્ણ ૧૦૦ ટકા ભરાઈ જતા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ભાવનગરનો રંઘોળા ૯૯.૬૫ ટકા, અમરેલીનો ખોડિયાર ૯૬.૮૩ ટકા, રાયડી ૯૫.૨૪ ટકા અને ધાતરવડી-2 ૯૩.૭૨ ટકા, બોટાદનો ખાંભડા ૯૪.૧ ટકા તથા મોરબીનો ઘોડાધ્રોઇ ૯૩.૭૫ ટકા ડેમ પણ જોખમી સપાટીની નજીક હોવાથી તેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
બીજી તરફ, સૌરાષ્ટ્રના કેટલાક ડેમોમાં ૮૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતા તેમને 'એલર્ટ' પર મૂકવામાં આવ્યા છે. આ યાદીમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનો માલણ ડેમ ૮૮.૮૧ ટકા ભરાઈ ચૂક્યો છે. જ્યારે રાજકોટ જિલ્લામાં ધોરાજીનો ભાદર-2 ડેમ ૮૮.૫૭ ટકા અને રાજકોટનો લાલપરી ડેમ ૮૦.૮૨ ટકા ભરાતા એલર્ટ જારી કરાયું છે. આ સાથે જ, ગીર સોમનાથના ગીર-ગઢડા તાલુકાનો રાવલ ડેમ પણ ૮૨.૦૪ ટકા ભરાઈ જતા તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે તેને એલર્ટ ઝોનમાં મૂકવામાં આવ્યો છે.
મચ્છુ 2 ડેમ pic.twitter.com/9TtUviCUx4
— Info Morbi GoG (@Info_Morbi_) July 25, 2026
ગુજરાતમાં અવિરત વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ૧૭,૧૩૧.૩૮ ક્યુસેક પાણીની આવક સાથે હાલનો જળસંગ્રહ ૨,૩૦,૭૭૫ એક હજાર મિલિયન ઘન ફૂટ પર પહોંચ્યો છે, જે તેની કુલ ક્ષમતાના ૬૯.૦૮ ટકા છે અને તેની સપાટી ૪૨૦.૯૬ ફૂટે પહોંચી છે. જ્યારે રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪૫.૦૮ ટકા એટલે કે ૨,૫૧,૪૮૩ એક હજાર મિલિયન ઘન ફૂટ જળસંગ્રહ નોંધાયો છે. આ ૨૦૬ ડેમો પૈકી ૧૪ ડેમ ૧૦૦ ટકા છલોછલ ભરાઈ ગયા છે, ૨૫ ડેમ ૭૦ થી ૧૦૦ ટકાની વચ્ચે, ૨૭ ડેમ ૫૦ થી ૭૦ ટકાની વચ્ચે અને ૫૫ ડેમ ૨૫ થી ૫૦ ટકાની વચ્ચે ભરાયેલા છે, જ્યારે ૮૫ ડેમમાં હજુ ૨૫ ટકાથી ઓછું પાણી છે. ડેમોમાં પાણીની સ્થિતિ અને જોખમને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે ૨૧ ડેમોને 'હાઈ એલર્ટ', ૪ ડેમોને 'એલર્ટ' અને ૧૪ ડેમોને 'વોર્નિંગ' પર મૂકવામાં આવ્યા હોવાનું તંત્રએ જણાવ્યું હતું.
રાજ્યના મુખ્ય જળાશયોમાં રહેલા જળ સંગ્રહની વાત કરીએ તો શેત્રુંજી અને મચ્છુ 2 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે. જ્યારે બ્રાહ્મણીમાં 61.27 ટકા, કરજણ ડેમમાં 58.35 ટકા, દમણગંગામાં 52.04 ટકા, પાનમ ડેમમાં 54.02 ટકા, ધરોઇ ડેમમાં 46.15 ટકા, વાત્રકના 47.71 ટકા, હાથમતી ડેમમાં 48.08 ટકા અને કડાણા બંધમાં 43.24 ટકાનો જળસંગ્રહ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 42302 લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે અને 6781 લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.