Sun Jul 26 2026

Logo

ગુજરાતના 14 જિલ્લામાં સિઝનનો 50 ટકા વરસાદ; દક્ષિણ ગુજરાત સૌથી મોખરે

2026-07-25 19:19:54
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં વર્ષ આ વર્ષે ચોમાસાની સિઝનમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના પરિણામે રાજ્યના કુલ 34 જિલ્લાઓમાંથી 14 જિલ્લામાં સિઝનનો 50 ટકા કરતાં વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તાજેતરના આંકડા મુજબ, સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ પણ 50  ટકાનો આંકડો પાર કરીને 52.89 ટકાએ પહોંચી ગયો છે. આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ ખૂબ જ સારી રહી છે.

વરસાદની આ ટકાવારીમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સૌથી મોખરે રહ્યા છે. ખાસ કરીને નવસારી જિલ્લામાં સિઝનનો સૌથી વધુ 97.16 ટકા વરસાદ પડી ચૂક્યો છે, એટેલે કે આ જિલ્લો 100 ટકાની એકદમ નજીક છે. ત્યારબાદ વલસાડ જિલ્લામાં 93.29 ટકા અને સુરતમાં 81.12 ટકા જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, ડાંગમાં 71.67 ટકા અને તાપીમાં 62.83 ટકા વરસાદ સાથે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં સિઝનનો મોટાભાગનો વરસાદ વરસી ચૂક્યો છે.

દક્ષિણ ગુજરાત સિવાય મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાં સિઝનનો 68.51 ટકા વરસાદ વરસી ગયો છે. આ સાથે જ અમરેલીમાં 62.39 ટકા, ખેડામાં 59.05 ટકા, ભરૂચમાં 57.86  ટકા અને આણંદમાં 54.58 ટકા જિલ્લાઓએ પણ 50 ટકાથી વધુ વરસાદનો આંકડો પાર કરી લીધો હતો. અન્ય વિસ્તારોની વાત કરીએ તો, વાવ-થરાદમાં 54.03 ટકા, સુરેન્દ્રનગરમાં 52.09 ટકા, ભાવનગરમાં 51.83 ટકા, અને જૂનાગઢમાં 51.73 ટકા વરસાદ સાથે આ સિઝનનો અડધાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે.