Wed Aug 19 2026

Logo

સુરતમાં કુખ્યાત ગેંગસ્ટર સતીશ મરાઠાની ફિલ્મી સ્ટાઇલમાં હત્યા, 8 સગીરોએ કેવી રીતે પતાવી દીધો

2026-08-07 09:46:00
Author: Mumbai Samachar Team
Article Image

તા.5 ઓગસ્ટ 2026ના રોજ સુરતમાં સતીશ મરાઠાની જૂની અદાવતમાં તેના જ પૂર્વ સાગરીતો અને હુમલાખોરોએ તલવાર-કુહાડીથી માથું ફાડી અને આંગળા કાપી નિર્મમ હત્યા કરી હતી. આ ચકચારી ઘટના બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને તાપી જિલ્લા LCB પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 4 સગીરો સહિત 8 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં લાજપોર જેલમાંથી હત્યાનો પ્લાન ઘડાયો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે અન્ય 3 વોન્ટેડ આરોપીઓની 
શોધખોળ આદરી છે.

ગણતરીના કલાકોમાં આઠ હત્યારાઓ ઝડપાયા

આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ક્રાઇમ બ્રાન્ચ, વ્યારા એલસીબી (LCB) અને ભેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા એક સંયુક્ત અને સઘન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી ચલાવાયેલા આ મજબૂત સંયુક્ત ઓપરેશનને કારણે તમામ ફરાર આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે.

સતીશ પર ફાયરિંગ-હથિયારોથી હુમલો

ભેસ્તાન વિસ્તારમાં ઘટનાના દિવસે બપોરે આશરે 4:15 વાગ્યે સતીશ સ્વીફ્ટ કારમાં મહિલા મિત્ર સાથે આવ્યો, ત્યારે પૂર્વ આયોજિત પ્લાન મુજબ બાઇક સવાર સગીરોએ કારનો કાચ તોડી નાખ્યો હતો. સતીશ બહાર નીકળતા જ હુમલાખોરોએ તેને ઘેરી લઈ તલવાર, કોયતા અને કુહાડીથી હુમલો કર્યો હતો. બંદૂકથી ફાયરિંગ પણ કર્યું હતું. જોકે તેને ગોળી વાગી નહોતી. સતીશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

લાજપોર સબજેલમાં ઘડાયો હત્યાનો પ્લાન

સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, આ મર્ડર પ્લાન લાજપોર સબજેલમાંથી ઘડવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2026માં ગણેશ ખુટીયા પર હુમલો કરનાર આરોપીઓનો સંપર્ક ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ રાહુલ સોમન મંડલે સાથે થયો હતો. રાહુલ મંડલે જેલમાંથી સતીશ મરાઠાનું કામ તમામ કરવા માટે હથિયારો, નેટવર્ક અને પ્લાનિંગ પૂરું પાડવાની ખાતરી આપી હતી. જેલમાંથી છૂટેલા કેતને રાહુલના નેટવર્કનો ઉપયોગ કરી સગીરો પાસે રેકી કરાવી આ હત્યાને અંજામ આપ્યો હતો.

આરોપીઓ મહારાષ્ટ્ર ભાગે તે પહેલા ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા

હત્યા બાદ આરોપીઓ સુરત-ધુલિયા હાઇવેથી મહારાષ્ટ્ર તરફ ભાગી રહ્યા હતા. જોકે, પોલીસે તાપીના ઉચ્છલ વિસ્તારમાંથી 4 મુખ્ય આરોપીઓ કેતન ઉર્ફે સન્ની (ઉ.વ. 19), રાહુલ ઉર્ફે બટકો (ઉ.વ. 20), કરણ ઉર્ફે પુદુલ (ઉ.વ. 20), અજીત ઉર્ફે જસ્ટીન (ઉ.વ. 26) અને 4 સગીરોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 2 દેશી પિસ્ટલ, 1 તમંચો, મેગ્ઝીન અને 3 મોપેડ જપ્ત કરવામાં આવ્યા છે. હાલ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે BNS 2023ની કલમ 103(1) સહિતની વિવિધ 
ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અગાઉ મરચાની ભૂકી નાંખી સતીશ પર હુમલાનો પ્રયાસ

સતીશ મરાઠા અને આરોપીઓ વચ્ચે લાંબા સમયથી અંગત અદાવત ચાલતી હતી. સતીશના માણસોએ અગાઉ અજીત અને એક સગીરના બહેનોઈ પર ચાકુથી હુમલો કર્યો હતો. જોકે, આશરે દોઢ મહિના પહેલાં આરોપીઓએ ગોડાદરા બ્રિજ નીચે સતીશ મરાઠા પર મરચાની ભૂકી નાખી હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતીશના માણસો આવી જતા તે બચી ગયો હતો. આરોપીઓને ભય હતો કે, ગણેશ ખુટીયા સાથેની દુશ્મનીમાં સતીશ તેમને જાનથી મારી નાખશે, જેથી તેમણે તે 
પહેલાં જ સતીશને મોતને ઘાટ ઉતારી દીધો.

સૂર્યા મરાઠી હત્યા કેસથી લઇ જેલવાસ સુધીનો ગુનાહિત ઇતિહાસ

ઉલ્લેખનીય છે કે, રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ સાથે સંકળાયેલા મૃતક સતીશ મરાઠા સામે 2020નો બહુચર્ચિત સૂર્યા મરાઠી મર્ડર કેસ, 2018નો કિશોર પિંકીબા મર્ડર કેસ, 2026નો આશીષ સિંઘ મર્ડર કેસ અને ઇચ્છાપોર વિસ્તારમાં ફાયરિંગ કરી હાફ મર્ડર (307) જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. જુલાઈ 2024માં જેલ મુક્ત થયા બાદ પણ તેની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રહી હતી, જેના કારણે સ્થાનિક ગેંગ અને તેના પૂર્વ સાગરીતો સાથે અદાવત ઊભી થઈ હતી.