Sun Sep 06 2026

Logo

ઘર ફૂટે ઘર જાય: સામખિયાળીમાં વકીલના ઘરે મહેમાન બનીને આવેલા સગા સાળાએ જ રૂ. 5.64 લાખની ચોરીનો ઘટસ્ફોટ

2026-08-25 10:08:00
Author: Mumbai Samachar Team
ઘર ફૂટે ઘર જાય: સામખિયાળીમાં વકીલના ઘરે મહેમાન બનીને આવેલા સગા સાળાએ જ રૂ. 5.64 લાખની ચોરીનો ઘટસ્ફોટ

AI Image



ભુજઃ  સામખિયાળી ગામમાં રહેતા એડવોકેટના ઘરના કબાટમાંથી ભેદી સંજોગોમાં ચોરાઈ ગયેલા રૂ. સાડા પાંચ લાખથી વધુ કિંમતના સોના-ચાંદીના ઘરેણાંની ચોરીનો ભેદ ઉકેલીને પોલીસે બે આરોપીઓની અટકાયત કરી હતી. જાણભેદુ દ્વારા જ આ ચોરી આચરવામાં આવી હોવાની શંકા સાચી ઠરતાં ફરિયાદી વકીલનો સગો સાળો જ ચોર નીકળ્યો હતો.

બનાવની વિગતો મુજબ, સામખિયાળીના એડવોકેટ નરેશ ચૌહાણના ઘરે લાકડાના કબાટમાંથી રૂ. ૫.૬૪ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડની ભેદી સંજોગોમાં ચોરી થઈ હતી. ચાવી વડે કબાટ ખોલીને ચોરી કર્યા બાદ તાળું મારી દેવાયું હોવાથી કોઈ પરિચિતનો હાથ હોવાની આશંકાએ વકીલે બે મહિના સુધી પોતાની રીતે તપાસ કરી હતી, પરંતુ સફળતા ન મળતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સામખિયાળી પી.આઈ જે.એમ. ઝાલાની ટુકડીએ ગહન તપાસ હાથ ધરતાં બહાર આવ્યું હતું કે, ગત ૨૯ મેના રોજ ફરિયાદીનો સાળો ચેતન દેવજી મેરિયા (રહે. ચોબારી, ભચાઉ) મહેમાન બનીને આવ્યો હતો. બહેન કબાટની ચાવી જ્યાં રાખતી હતી તે જગ્યાથી વાકેફ ચેતને ચોરીછૂપે ચાવી મેળવી દાગીનાની ચોરી કરી ચાવી યથાવત જગ્યાએ મૂકી દીધી હતી.

ચોરીના દાગીનામાંથી ચાર દાગીના ભચાઉના જ્વેલર્સને વેચી રૂ. અઢી લાખ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા, જ્યારે સોનાનો હાર તેના મિત્ર સચિન વેલા વરચંદને વેચવા આપી રૂ. બે લાખ મેળવ્યા હતા. ચોરીના નાણાંથી આરોપીએ નવું મોટરસાઇકલ, એસી ખરીદ્યું હતું તેમજ પોતાની દુકાનમાં નવો માલ ભરાવ્યો હતો. પોલીસે મૂળ ચોર ચેતન અને ચોરીનો માલ વેચવામાં મદદ કરનાર તેના મિત્ર સચિન બંનેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(ઉત્સવ વૈદ્ય)