Thu Oct 01 2026

Logo

સંવિધાન પર વિશ્વાસ છે, અમારા પુત્રને ન્યાય મળશે: સાહિલ વાકોડેના માતા-પિતા

2026-09-22 19:59:33
Author: Mumbai Samachar Team
સંવિધાન પર વિશ્વાસ છે, અમારા પુત્રને ન્યાય મળશે: સાહિલ વાકોડેના માતા-પિતા

મુંબઈ: આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુ બાદ તેના શોકગ્રસ્ત માતાપિતાએ  જણાવ્યું હતું કે તેમને વહીવટી તંત્ર અને દેશના સંવિધાન પર વિશ્વાસ છે અને તેમના પુત્રને ન્યાય મળશે. સાહિલ એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગમાં બી.ટેક.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

18 સપ્ટેમ્બરની સાંજે પવઈ કેમ્પસમાં આવેલા હોસ્ટેલના રૂમમાં તે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટના તેના પર મિડ-સેમેસ્ટર પરીક્ષા દરમિયાન ચેટજીપીટીનો ઉપયોગ કરવા માટે મોબાઇલ ફોનનો કથિત રીતે ઉપયોગ કરવાનો આરોપ લાગ્યા બાદ બની હતી. 

સાહિલના પિતા રવિન્દ્ર વાકોડેએ જણાવ્યું હતું કે, 'આ કેસમાં જે લોકો આરોપી છે તેમની પૂછપરછ થવી જોઈએ અને તેમની ધરપકડ થવી જોઈએ. ધરપકડ થયા બાદ જ સમગ્ર હકીકત બહાર આવશે.' તેમણે વધુમાં કહ્યું હતું કે, 'સાહિલ ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી હતો. જેઈઈ એડવાન્સ જેવી પરીક્ષા પાસ કરવી અને તેમાં સારી ઓલ ઇન્ડિયા રેન્ક મેળવવી સામાન્ય સિદ્ધિ નથી.

તેના ઓલ ઇન્ડિયા રેન્ક પર નજર કરો.' તેમણે પરીક્ષામાં સાહિલે નકલ કરી હોવાના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ સમગ્ર મામલાને અન્ય દિશામાં વાળવાનો પ્રયાસ છે. તેમણે કેસમાં આરોપીઓની ધરપકડ કરવાની માગણી કરી હતી.

સાહિલની માતા સોનાલી વાકોડેએ પત્રકારોને જણાવ્યું હતું કે, 'હું એક માતા છું અને શિક્ષિકા પણ છું. મેં મારું સંતાન ગુમાવ્યું છે. હું જે પીડામાંથી પસાર થઈ રહી છું તે એક માતા જ સમજી શકે છે.' તેણે ભાવુક અપીલ કરતાં કહ્યું હતું કે, 'કૃપા કરીને સુનિશ્ચિત કરો કે તેને ન્યાય મળે. હું જાણું છું કે મારું સંતાન કેટલું પ્રતિભાશાળી હતું. હું હાથ જોડીને આપ સૌને અપીલ કરું છું અને વિનંતી કરું છું કે મારા બાળકને ન્યાય અપાવો.'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'સાહિલે અમને કહ્યું હતું કે તેને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો અને જાતિ આધારિત અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી રહી હતી. અમે તેને સતત કહેતા હતા કે આપણું ભવિષ્ય ખૂબ સારું હશે. કદાચ એ અમારી ભૂલ હતી. જો અમે તે દિવસે તેને અમારી સાથે લઈ ગયા હોત, તો કદાચ આજે મારો દીકરો જીવતો હોત.'