Wed Aug 19 2026

Logo

આજથી નવા રૂટ પર દોડી સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ! બોટાદ-અમરેલી જિલ્લાને મળી કનેક્ટિવિટી પણ....

2026-08-17 18:10:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: સાબરમતી અને વેરાવળ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ (Sabarmati-Veraval Vande Bharat Express) ટ્રેનના રૂટ અને સમયપત્રકમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી આ ટ્રેન હવે નવા રૂટ એટલે કે ગાંધીગ્રામ-બોટાદ રૂટ પરથી દોડી હતી.  નવા ટાઈમ ટેબલ મુજબ, આ ટ્રેન સાબરમતીથી ઉપડીને ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા, ચિતલ અને જૂનાગઢ થઈને વેરાવળ પહોંચશે. આ નવા રૂટથી મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી અને ઝડપી તથા સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

આ નવા રૂટની શરૂઆત સાથે ભાવનગર ડિવિઝન હેઠળ આવતા કેટલાક વિસ્તારો માટે રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે. અમરેલી જિલ્લામાં વંદે ભારત ટ્રેનના સ્ટોપેજની લાંબા સમયથી ઉઠેલી માંગ અને ઉચ્ચ સ્તરીય રજૂઆતોને ધ્યાનમાં રાખીને ચિતલ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ બોટાદ જિલ્લાના બોટાદ, ધોળા અને ઢસા જંકશનને પણ નવું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ નિર્ણયથી ઢસા, ચિતલ, ધોળા, લાઠી, ઉમરાળા અને તેની આસપાસના વિસ્તારોના લોકોને પહેલીવાર વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેન સેવાનો સીધો લાભ મળશે અને વિકાસને નવી ગતિ મળશે.

જો કે, બીજી તરફ વંદે ભારત ટ્રેનના આ રૂટ પરિવર્તનનો કેટલાક જૂના રૂટના વિસ્તારોમાં કચવાટ અને વિરોધ પણ જોવા મળ્યો છે. અગાઉ આ નિયમિત સેવા સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ રૂટ પર ચાલતી હતી, જેને બદલીને હવે ગાંધીગ્રામ-બોટાદ-ધંધુકા તરફ આંશિક ડાયવર્ટ કરવામાં આવી છે. આ ફેરફારને કારણે સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટના રેલ મુસાફરોએ વાંધો ઉઠાવ્યો છે. તેમની રજૂઆત છે કે જ્યારથી ટ્રેન શરૂઆત થઈ ત્યારથી ચાલતી નિયમિત સેવામાં અચાનક ફેરફાર કરવાથી આ શહેરોના સ્થાનિક લોકોની સીધી રેલ કનેક્ટિવિટી પર માઠી અસર પડશે અને મુસાફરોને હાલાકી ભોગવવી પડશે.

આ સાથે જ વંદે ભારત એક્સપ્રેસને આ બંને રૂટ પર સાડી ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર જેતપુર આવે છે, પરંતુ તેમ છતાં જેતપુરની ભાવનગર રેલવે લાઇન પરના જેતપુર, રાજકોટ રેલ લાઇન પરના નવાગઢ કે નજીકના જેતલસર જંકશન પર સ્ટોપેજ આપવામાં આવ્યો નથી. ભાવનગર રેલવે લાઇન પર ચિત્તલ બાદ આ ટ્રેન સીધી જૂનાગઢ અને રાજકોટ રેલ લાઇન પર રાજકોટ બાદ સીધી જૂનાગઢ સ્ટોપ કરે છે, આથી જેતપુરમાં પણ આ પ્રીમિયમ સેવાને સ્ટોપેજ મળે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.