Tue Aug 25 2026

Logo

ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા... ઈરાની જહાજ પર અમેરિકી એટેક મામલે જયશંકરે મૌન તોડ્યું

2026-03-07 15:46:00
Author: Tejas Rajpara
ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા... ઈરાની જહાજ પર અમેરિકી એટેક મામલે જયશંકરે મૌન તોડ્યું

નવી દિલ્હી:  અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં અમેરિકાની સબમરીને હિંદ મહાસાગરમાં ઈરાનના યુદ્ધ જહાજને હુમલો કરી ડૂબાડી દીધું હતું. એવામાં હવે સમગ્ર મામલે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે મોટું નિવેદન આપ્યું છે.

તેમણે અમેરિકી સબમરીન દ્વારા ઈરાની જહાજ 'આઈરિસ ડેના' (IRIS Dena) પર થયેલા ટોર્પીડો હુમલાના મુદ્દે ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી છે. જયશંકરે જણાવ્યું કે ભારત આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને UNCLOSનું સન્માન કરે છે, પરંતુ જ્યારે કોઈ જહાજ ટેકનિકલ ખામી સાથે મદદ માંગે, ત્યારે માનવતાના ધોરણે તેને આશરો આપવો એ ભારતની નૈતિક જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે આ જહાજ ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાઈ ગયું હતું.

વિદેશ મંત્રીએ ખુલાસો કર્યો કે ઈરાન તરફથી સંદેશ મળ્યો હતો કે તેમનું એક જહાજ ટેકનિકલ ખામીને કારણે ભારતીય બંદર પર આવવા ઈચ્છે છે. 1 માર્ચના રોજ ભારતે પરવાનગી આપી અને થોડા દિવસો બાદ તે કોચ્ચિમાં ડૉક થયું હતું. કમનસીબે, 4 માર્ચના રોજ શ્રીલંકાના દરિયાકાંઠાથી 40 નોટિકલ માઈલ દૂર આંતરરાષ્ટ્રીય જળસીમામાં અમેરિકી સબમરીને ઈરાની ફ્રિગેટ 'ડેના' પર ટોર્પીડો છોડ્યો હતો. આ ભયાનક હુમલામાં જહાજ ડૂબી ગયું અને અંદાજે 80થી 87 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જેમાંથી ઘણા યુવા કેડેટ્સ હતા.

વોશિંગ્ટનમાં અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેગે આ હુમલાની પુષ્ટિ કરતા ગર્વ સાથે જણાવ્યું કે, બીજા વિશ્વયુદ્ધ પછી આ પ્રથમ વખત છે જ્યારે યુનાઈટેડ સ્ટેટ્સે ટોર્પીડોનો ઉપયોગ કરીને દુશ્મન જહાજને ડૂબાડ્યું છે. તેમણે દાવો કર્યો કે ઈરાની યુદ્ધપોત આંતરરાષ્ટ્રીય જળસીમામાં પોતાને સુરક્ષિત માની રહ્યું હતું, પરંતુ અમેરિકી સબમરીને તેને નિશાન બનાવ્યું હતું. આ હુમલા બાદ શ્રીલંકાના સત્તાવાળાઓએ 87 મૃતદેહો મળી આવ્યા હોવાનું જણાવ્યું છે, જ્યારે 32 લોકોને બચાવી લેવાયા છે.

સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓનો જવાબ આપતા એસ. જયશંકરે હિંદ મહાસાગરની ભૂ-રાજકીય વાસ્તવિકતા સમજવાની સલાહ આપી હતી. તેમણે ડિયેગો ગાર્સિયા, જિબૂતી અને હંબનટોટા જેવા વિદેશી સૈન્ય મથકોનો ઉલ્લેખ કરી જણાવ્યું કે ભારત આ ક્ષેત્રની જટિલતાઓને સમજે છે અને પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યું છે. નોંધનીય છે કે, ડૂબી ગયેલું ઈરાની જહાજ વિશાખાપટ્ટનમમાં નૌસૈનિક અભ્યાસમાં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું. હાલમાં અન્ય એક ઈરાની જહાજ 'આઈરિસ લાવન' હજુ પણ કોચ્ચિમાં છે, જેની ટેકનિકલ તપાસ ચાલી રહી છે.