Thu May 14 2026

Logo

ભારતમાં ઊર્જાની અછત નહીં ઊભી થાય, રશિયાના વિદેશમંત્રીએ આપી મહત્ત્વની ખાતરી

2026-05-13 22:47:44
Author: Mumbai Samachar Team
Article Image

X @mfa_russia


નવી દિલ્હીઃ ઈરાન-અમેરિકા વચ્ચે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈને કારણે ફ્યૂલ સંકટ ઊભું થયું છે. પરિસ્થિતિ એવી છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને ફ્યૂલ બચાવવા માટેની અપીલ કરી રહ્યા છે. સ્થિતિની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે કે, વડા પ્રધાન, ગૃહમંત્રી સહિત અનેક રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના કાફલામાંથી કારની સંખ્યા ઘટાડી દીધી છે. સંકટના આ સમયમાં ભારતની પડખે રશિયાએ સહકાર આપીને ખરી દોસ્તી નિભાવી છે. રશિયાએ ખાતરી આપી હતી કે, ભારતમાં કોઈ રીતે એ ઊર્જાને ખૂટવા નહીં દે. 

કેટલાક મુદ્દા અગાઉથી નક્કી હતા
રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે સ્પષ્ટતા કરી હતી કે, ઊર્જાપૂર્તિ માટે જરૂરી તમામ સમજૂતીઓ હાલમાં પૂરી થઈ ગઈ છે. ભારત અને રશિયા વચ્ચેની આ સમજૂતીમાં કેટલાક મુદ્દાઓ અગાઉથી નક્કી હતા. રશિયાએ કહ્યું કે, ભારતના હિતોને નુકસાન થાય એવું રશિયા ક્યારેય નહીં કરે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલી સ્પર્ધા છતાં ભારતને કોઈ પ્રકારે નુકસાન નહીં થવા દઈએ. દિલ્હીની મુલાકાત પહેલા એક ઈન્ટરવ્યૂમાં લાવરોવે ભારત-રશિયાના સંબંધોને સૌથી સુરક્ષિત અને મજબૂત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મંત્રીએ ઉમેર્યું કે, ભારત અને રશિયાના સંબંધ વર્ષો જૂના છે. એવી કોઈ સ્થિતિ પેદા નહીં થાય જ્યાં ભારત અને રશિયાના રસ્તાઓ અલગ થઈ જાય. રશિયાએ ઊર્જાપૂર્તિના મામલે ભારત પ્રત્યે પોતાની જવાબદારી વ્યક્ત કરવા પીછેહટ કરી નથી. 

ભારતના હિતને કોઈ રીતે નુકસાન નહીં થાય
હું ગેરન્ટી સાથે કહું છું કે,રશિયાથી મળનારી ઊર્જાની સપ્લાયના કેસમાં ભારતના હિતોને કોઈ પ્રકારને નુકસાન નહીં થાય.અમે દરેક એવા પ્રયાસ કરીશું કે,વૈશ્વિક સ્તરે તણાવગ્રસ્ત માહોલ તથા સ્પર્ધાનું વાતાવરણ અમારી સમજૂતીને કોઈ રીતે નુકસાન ન કરે. રશિયા ભારતને ગેસ, તેલ અને કોલસા જેવા હાઈડ્રોજન ઊર્જાની સપ્લાય આપે છે. ભવિષ્યમાં પણ આ સહયોગ યથાવત રહેશે અને વધારે મજબૂત બનશે. રશિયાના વિદેશમંત્રીએ તમિલનાડુમાં રશિયાની ટેક્નોલોજીથી તૈયાર થનારા કુડનકુમ પરમાણુ ઊર્જાને બન્ને દેશ વચ્ચેના સહયોગનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. કુડનકુલમ પરમાણું ઊર્જા કેન્દ્ર અમારો મુખ્ય પ્રોજેક્ટ છે. ભારતની ઊર્જા જરૂરિયાનો મોટાભાગનો હિસ્સો અહીંયાથી પૂર્ણ થશે. 

ભારતમાં ચાલે છે મહત્ત્વનો પ્રોજેક્ટ
આ પ્રોજેક્ટ અંતર્ગત વીજળી ઉત્પાદન માટે નવી યોજના તૈયાર થશે અને વીજ નિર્માણ પર સહયોગ બની રહેશે. રશિયાના વિદેશમંત્રીએ વડા પ્રધાન મોદીને દિલ ખોલીને વખાણ કર્યા છે. મંત્રીએ ઉમેર્યું કે, તેઓ દુનિયાના સૌથી વધુ ઊર્જાવાન નેતાઓમાંથી એક છે. તેઓ પોતાની શક્તિનો ઉપયોગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ લક્ષ્યોને પાર પાડવા માટે કરે છે. એ પછી અર્થવ્યવસ્થાનો વિષય હોય કે સૈન્યનો, રક્ષાની વાત હોય કે સંસ્કૃતિની, ભારતની વિરાસતની વાત હોય કે સંરક્ષણની. દેશની સંસ્કૃતિને મજબૂત કરવાની દિશામાં એમના પ્રયાસ સશક્ત છે અને તેઓ આ જ દિશામાં વધારે પ્રગતિ પણ કરી રહ્યા છે. ભારત અને રશિયા ભાઈ-ભાઈ આ માત્ર કોઈ રાજકીય નારો નથી. બે દેશની સંસ્કૃતિનો જ એક ભાગ છે. ભારતીય સિનેમા, રાજકપૂર અને હાલ જે ટીવી સિરિયલ્સ આવે છે એ રશિયાના દરેક ખૂણામાં જોવાય છે અને લોકપ્રિય છે. ભારત અને રશિયાના સંબંધો એક પહાડની જેમ મજબૂત છે. કોઈના દબાવમાં આવીને તૂટે એવું કંઈ નથી.

ભારત આવશે રશિયના વિદેશમંત્રી
બન્ને દેશ વચ્ચે અર્થવ્યવસ્થા, સંયુક્ત ઊર્જા ઉત્પાદન, સૈન્ય સહયોગ, પરમાણું ઊર્જા, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને માનવીય સંબંધોની સાથે ઉચ્ચ સ્તરીય રાજકીય સંવાદ પણ ખૂબ જ મજબૂત છે. રશિયા અને ભારત વચ્ચે જે ભરોસો છે એ એટલો સશક્ત છે કે,કોઈ એની કલ્પના કરી શકે એમ નથી. કેટલીક એવી શક્તિઓ છે જે ભારત અને રશિયા વચ્ચે તિરાડ પડાવવા પ્રયાસ કરે છે, ખોટા નિયમો થોપવા માગે છે પણ એમના પ્રયાસો સતત નિષ્ફળ રહ્યા છે. ભારતની યાત્રા દરમિયાન રશિયાના વિદેશ મંત્રી ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરીને જરૂરી બેઠક કરશે. આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય કેટલાક મુદ્દાઓ પર વાતચીત કરશે. ખાસ કરીને બ્રિક્સ અને જી20 સમિટને લઈને કોઈ સ્પષ્ટતા પણ થઈ શકે છે.