(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા અને ઈરાન વચ્ચે નવેસરથી ભૂરાજકીય તણાવ ઉપરાંત ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે તણાવ સપાટી પર આવતાં વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં વધારો, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ રહેતાં આજે સપ્તાહના આરંભે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 34 પૈસાની પટકાઈને ફરી 95ની સપાટી પાર કરીને 95.19ની સપાટીએ બંધ રહ્યો હતો.
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચેની ડીલમાં સારી પ્રગતિ થઈ રહી છે, પરંતુ વૉશિંગ્ટન જે ઈચ્છે છે તે નહીં થાય તો આ વિવાદનો અંત અલગ રીતે આવશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ઈરાનીઓ સારા વાટાઘાટકર્તા છે, પરંતુ યુએસ હવે બધા કાર્ડ ધરાવે છે કેમ કે તેઓ લશ્કરી રીતે હારી ચૂક્યા છે.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 94.90ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 94.93ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.19 અને ઉપરમાં 94.73ની રેન્જમાં અથડાઈને અંતે 34 પૈસાના કડાકા સાથે ફરી 95ની સપાટી કુદાવીને સત્રના સૌથી નીચા 95.19ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયો 73 પૈસા ઉછળીને 94.85ની સપાટીએ બંધ રહ્યો હતો.
હાલમાં વૈશ્વિક તણાવના નકારાત્મક નિર્દેશોને કારણે ક્રૂડતેલના ભાવમાં પુનઃ વધારો થવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ટ્રેઝરીની યિલ્ડની પણ માઠી અસર પડતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહેતા 94.60થી 95.30ની રેન્જ જોવા મળે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષકે વ્યક્ત કરી હતી.
હાલમાં ફોરેક્સ ટ્રેડરોની નજર આગામી ત્રીજી જૂનથી પાંચમી જૂન દરમિયાન યોજાનારી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મૉનેટરી પૉલિસીની બેઠક પર સ્થિર થઈ હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવતાં ઉમેર્યું હતું કે ગત મે મહિનામાં દેશમાં જીએસટીનું કલેક્શન 3.2 ટકા વધીને રૂ. 1.94 લાખ કરોડની સપાટીએ રહ્યું હોવાના અહેવાલની બજાર પર ખાસ અસર નહોતી જોવા મળી.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.10 ટકા વધીને 99.04 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 3.47 ટકા વધીને બેરલદીઠ 94.28 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 508.40 પૉઈન્ટનો અને 165.15 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 21,105.86 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.