(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કટુડા ગામે ભારતીય સેનાના નિવૃત્ત જવાનોએ માનવતા અને ભાઈચારાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગ્રેનેડિયર રેજિમેન્ટની 19મી બટાલિયનની 'ચાર્લી કંપની'માં સેવા આપી નિવૃત્ત થયેલા રાયધનસિંહ ઝાલાનું અકાળે અવસાન થતા પરિવાર પર મોટી જવાબદારી આવી પડી હતી.
આ કપરા સમયમાં તેમના સાથી સૈનિકો પરિવારની વહારે આવ્યા હતા. તાજેતરમાં રાયધનસિંહની દીકરીના લગ્ન પ્રસંગે ચાર્લી કંપનીના 30થી વધુ નિવૃત્ત જવાનોએ એકત્રિત થઈને પિતાની ખોટ પૂરી હતી અને પિતાની ભૂમિકા અદા કરી આ પ્રસંગને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો.

આ ભાવુક પ્રસંગે 19મી બટાલિયનમાંથી સુબેદાર પ્રવીણકુમાર અને હવાલદાર રઘુવીર સિંહ જાડેજા સહિત અન્ય સૈનિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ અને સૌરાષ્ટ્રના નામથી ઓળખાતી આ કંપનીના જવાનોએ સાબિત કર્યું હતું કે ભારતીય સેનાની એકતા અને શિસ્ત માત્ર સરહદ સુધી જ સીમિત નથી, પરંતુ નિવૃત્તિ બાદ પણ તેઓ પોતાના સાથી સૈનિકના પરિવાર માટે ઢાલ બનીને ઉભા રહે છે.