અમદાવાદ/વડોદરાઃ હવામાન વિભાગ દ્વારા આવતીકાલે અમદાવાદ, વડોદરા સહિત 8 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓની સલામતી માટે વડોદરા જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આવતીકાલે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને આવતીકાલે તારીખ 31 જુલાઈના રોજ શહેરની તમામ શાળા તથા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
અમદાવાદની સ્કૂલોમાં આવતીકાલે રજા
અમદાવાદ કલેક્ટરની સૂચના મુજબ આવતીકાલે અમદાવાદની તમામ શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે. પરિપત્ર મુજબ તમામ સરકારી, ગ્રાન્ટેડ (અનુદાનિત) તથા સ્વનિર્ભર (પ્રાઇવેટ) પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ અધ્યાપન મંદિર અને કોલેજોમાં શૈક્ષણિક કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે. કોઈપણ અણબનાવ ન બને અને વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ શાળા-કોલેજના સંચાલકો અને આચાર્યોને તેમણે શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓને WhatsApp, SMS અથવા ફોન દ્વારા રજા અંગેની માહિતી તાત્કાલિક પહોંચાડવા આદેશ આપ્યો છે.
જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ વડોદરા શહેર અને જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલી આંગણવાડીઓ, સરકારી અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઈ.ટી.આઈ (ITI) તથા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. રસાદના કારણે બાળકોને કોઈ મુશ્કેલી કે અણબનાવ ન બને તે માટે આગોતરા આયોજનરૂપે આ રજા જાહેર કરાઈ છે. : આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા સહિત કયા જિલ્લામાં છે રેડ એલર્ટ
હવામાન વિભાગે આવતીકાલે વડોદરા, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નર્મદા , તાપી, ડાંગમાં રેડ એલર્ટ આપ્યું છે.
આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
આ જિલ્લામા યલો એલર્ટ
કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, પાટણ, મહેસાણા, વાવ થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.