Sun Jun 14 2026

Logo

શું RE-NEETનું પેપર ફરી લીક થયું? સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ પર NTAએ શું કહ્યું?

2026-06-14 19:01:47
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: દેશમાં હજુ પણ NEET પેપર લીકનો મુદ્દો ચર્ચામાં છે અને ફરીથી યોજાનારી પરીક્ષાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર RE-NEETના પેપર લીકને લઈને એક ચોંકાવનારો દાવો સામે આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે હોબાળો મચી ગયો હતો. એક યુઝરે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે RE-NEET ની પરીક્ષા પુસ્તિકામાં કુલ 33 પાના છે અને આ વખતે પરીક્ષાનો સમય 3 કલાક અને 15 મિનિટ રાખવામાં આવ્યો છે. આ પોસ્ટમાં એવો પણ દાવો કરાયો હતો કે RE-NEET માં પહેલીવાર 15 મિનિટનો વધારાનો સમય આપવામાં આવી રહ્યો છે. આ તર્કને આધાર બનાવીને યુઝરે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા કે શું RE-NEET નું પેપર પણ લીક થઈ ગયું છે?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ભ્રામક પોસ્ટને જોતાં જ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) તુરંત એક્શનમાં આવી ગઈ હતી અને સત્તાવાર રીતે આ દાવાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. એજન્સીએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો આ દાવો સંપૂર્ણપણે ફેક અને પાયાવિહોણો છે. NTA એ પોતાના જવાબમાં લખ્યું કે, "આ માહિતી તદ્દન ફેક છે અને આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે." એજન્સીએ પેપર લીકની અફવાને નકારી કાઢીને ખોટી માહિતી ફેલાવનારા તત્વો સામે કડક કાનૂની પગલાં ભરવાનો સંકેત આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નીટની પરીક્ષાને લઈને પ્રશ્નપત્ર લીક થયાની અથવા સોશિયલ મીડિયા પર અફવાઓ ઉડી હોય તેવી આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઈન્ટરનેટ અને ખાસ કરીને ટેલિગ્રામ ગ્રૂપ્સ પર એવા અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા કે પરીક્ષાનું પેપર એડવાન્સમાં ઉપલબ્ધ છે અને તેને મોટી રકમ લઈને વેચવામાં આવી રહ્યું છે. તે સમયે પણ NTA એ સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે આ તમામ વાતો ખોટી, ભ્રામક અને મનગઢંત છે. એજન્સીના જણાવ્યા અનુસાર, કેટલાક ઠગ ટોળકી અને નકલ માફિયાઓ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની ચિંતાનો ગેરફાયદો ઉઠાવીને નકલી પેપરો વેચવાનો કાળો કારોબાર ચલાવવાનો પ્રયાસ કરે છે.

સમગ્ર વિવાદ વચ્ચે NTA એ દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાતરી આપી છે કે પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત અને પારદર્શક છે. એજન્સીએ ભારપૂર્વક જણાવ્યું છે કે પ્રશ્નપત્રોની સુરક્ષા માટે અત્યંત કડક વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈપણ અનધિકૃત વ્યક્તિ પરીક્ષા સામગ્રી સુધી પહોંચી શકે તે અશક્ય છે. NTA એ તમામ પરીક્ષાર્થીઓને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વહેતી થતી આવી કોઈ પણ અપ્રમાણિત માહિતી કે અફવાઓ પર ભરોસો ન કરે અને માત્ર સત્તાવાર વેબસાઇટ પર જાહેર થતી નોટિફિકેશનને જ સાચી માને.