મુંબઈઃ લગભગ 33,000 ક્રિકેટક્રેઝીઓથી ખીચોખીચ ભરાયેલા વાનખેડે સ્ટેડિયમમાં રવિવારે રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (20 ઓવરમાં 4/240)એ મુંબઈ ઇન્ડિયન્સ (20 ઓવરમાં 5/222)ને ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી હરાવીને આ વખતની ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત મેળવી હતી. શેરફેન રુધરફર્ડ (71 અણનમ, 31 બૉલ, નવ સિક્સર, એક ફોર)એ છગ્ગા પર છગ્ગા ફટકારીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું, પરંતુ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. મુંબઈની ટીમ પહેલેથી જ 241 રનના લક્ષ્યાંક નીચે દબાઈ ગઈ હતી. રુધરફર્ડ સાથે સૅન્ટનર આઠ રને અણનમ રહ્યો હતો.
રોહિત, વિરાટ, હાર્દિકને ઈજા
આ મૅચમાં રોહિત શર્મા ઈજાને લીધે છઠ્ઠી ઓવરમાં બૅટિંગ છોડીને પાછો જતો રહ્યો હતો. એ પહેલાં, બેંગ્લૂરુની ઇનિંગ્સમાં વિરાટ કોહલીને તેમ જ મુંબઈના કૅપ્ટન હાર્દિક પંડ્યાને પણ ઈજા થઈ હતી. રોહિત 19 રનના પોતાના સ્કોર પર રિટાયર હર્ટ થયો હતો. તેણે ત્યારે 13 બૉલની ટૂંકી ઇનિંગ્સમાં એક સિક્સર અને બે ફોર ફટકારી હતી. બેંગ્લૂરુને પ્રથમ વિકેટ સ્પિનર સુયશ શર્માએ અપાવી હતી. તેણે ધમાકા પર ધમાકા કરી રહેલા ઓપનર રાયન રિકલ્ટન (37 રન, બાવીસ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)ને ભુવનેશ્વર કુમારના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. કુલ 72મા રને એ વિકેટ પડ્યા બાદ સુયશે તિલક વર્મા (એક રન)ની વિકેટ અપાવી હતી. સૂર્યકુમાર યાદવ (33 રન, બાવીસ બૉલ, પાંચ ફોર)ના હાથે પણ પ્રેક્ષકો સિક્સર જોવા આતુર હતા, પરંતુ તે 13મી ઓવરમાં કૃણાલ પંડ્યાના બૉલમાં રસિખ સલામના હાથમાં કૅચઆઉટ થતાં પ્રેક્ષકોની આશા પૂરી નહોતી થઈ.
બે ઓવર બાદ કિવી પેસ બોલર જેકબ ડફી જેને હૅઝલવૂડના સ્થાને ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો તેણે હાર્દિક પંડ્યા (40 રન, બાવીસ બૉલ, એક સિક્સર, છ ફોર)ને પૅવિલિયનમાં મોકલતાં મુંબઈના સઢમાં વધુ એક ગાબડું પડ્યું હતું અને પછીની ઓવરમાં પેસ બોલર રસિખ સલામે નમન ધીર (એક રન)ની પાંચમી વિકેટ લીધી હતી.
બુમરાહ ચોથી મૅચમાં વિકેટ વિનાનો
એ પહેલાં, મુંબઈ સામે બેંગ્લૂરુએ પ્રથમ બૅટિંગ મળ્યાનો લાભ લઈને 20 ઓવરમાં ચાર વિકેટે 240 રન કરીને યજમાન ટીમને 241 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો. ફિલ સૉલ્ટ (78 રન, 36 બૉલ, છ સિક્સર, છ ફોર) અને વિરાટ કોહલી (50 રન, 38 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) વચ્ચે 120 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. સોલ્ટની વિકેટ બાદ વિરાટે કેપ્ટન પાટીદાર (53 રન, 20 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) સાથે 65 રનની પાર્ટનરશિપ કરી હતી. વિરાટે મુંબઈ સામે 1,000 રન પૂરા કર્યાં હતા. બુમરાહ આ વખતની આઈપીએલમાં ચારેય મૅચમાં વિકેટ નથી લઈ શક્યો જે મુંબઈની ટીમ માટે મોટી ચિંતાનો વિષય છે. બેંગ્લૂરુનો ટિમ ડેવિડ (34 અણનમ, 16 બૉલ, ત્રણ સિક્સર)એ 212ના સ્ટ્રાઇક રેટથી રન કર્યા હતા. તેની સાથે જિતેશ શર્મા (10 રન) અણનમ રહ્યો હતો.

વિરાટ કોહલી ધીમું રમ્યો
વાનખેડેમાં મુંબઈ સામે વિરાટ કોહલીએ 131.57ના સ્ટ્રાઇક રેટથી 37 બૉલમાં 50 રન પૂરા કર્યા હતા. તેની સામે કેપ્ટન રજત પાટીદારે 300-પ્લસના રેટથી હાફ સેન્ચુરી પૂરી કરી હતી. વિરાટ ફિફટીની નજીક હતો ત્યારે ડગઆઉટમાંથી બેંગ્લૂરુના બૅટિંગ કોચ દિનેશ કાર્તિકે વિરાટને કઈંક ઈશારો કર્યો હતો. બની શકે, તેને ઝડપથી રન બનાવવાનો ઈશારો કરાયો હશે. વિરાટ 50 રન પૂરા કર્યા બાદ હાર્દિકના બૉલમાં સૂર્યકુમારના હાથમાં કૅચઆઉટ થયો હતો અને તેની ધીમી ઇનિંગ્સનો અંત આવ્યો હતો.