દુબઈઃ સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમે વર્તમાન આઇપીએલની પહેલાં ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો હતો અને એકંદરે તેના સુકાનમાં ભારતની ટી-20 ટીમે ઘણી સફળતાઓ મેળવી છે, પણ હમણાં સૂર્યા બૅટિંગમાં સદંતર ફ્લૉપ છે એટલે કૅપ્ટનપદે તેના અનુગામી કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ પોતાની પસંદગીના નામ મીડિયામાં આપી રહ્યા છે જેમાં હવે રવિ શાસ્ત્રીએ પણ એક નામ આપ્યું છે.
રવિ શાસ્ત્રીના મતે સંજુ સૅમસન (Samson) ટી-20 ટીમના ભાવિ સુકાની તરીકે મજબૂત દાવેદાર છે. શાસ્ત્રી `ધ આઇસીસી રિવ્યૂ'ને એવું પણ કહે છે કે `આવતા બે-ત્રણ વર્ષમાં સૅમસન ટી-20 ફૉર્મેટમાં ભારતનો સુકાની બની શકે એમ છે. 2028ના આગામી ટી-20 વર્લ્ડ કપ સુધીમાં સૂર્યાનો પર્ફોર્મન્સ કેવો રહે છે એ મહત્ત્વનો મુદ્દો રહેશે, પરંતુ ભારતે બે વર્ષમાં કૅપ્ટન તરીકે સૂર્યા સિવાયના કોઈ નામ પર વિચાર કરવો જ પડશે.'
બે મહિના પહેલાં ભારતે જે ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ જીતી લીધી એમાં સંજુ સૅમસન મૅન ઑફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર જીત્યો હતો. તેની લાગલગાટ ત્રણ હાફ સેન્ચુરી ભારતને ટાઇટલ અપાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ હતી.
શાસ્ત્રી (Shastri)નું માનવું છે કે સૅમસન ટૉપ-ઑર્ડરનો વિસ્ફોટક બૅટ્સમૅન છે જ, ભૂતકાળમાં તેણે રાજસ્થાન રૉયલ્સની ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું એટલે તેને કૅપ્ટન્સીનો સારો અનુભવ છે જ.'
સૅમસન આઇપીએલમાં રાજસ્થાનની ટીમનું પાંચ સીઝનમાં નેતૃત્વ સંભાળી ચૂક્યો છે. એમાં 2022નું વર્ષ મુખ્ય કહી શકાય, કારણકે એમાં તેના સુકાનમાં રાજસ્થાનની ટીમ રનર-અપ બની હતી.