અયોધ્યા: અયોધ્યાના શ્રી રામ મંદિરમાં દાન ચોરી વચ્ચે સોના,ચાંદી, હીરા અને અષ્ટધાતુની બનેલી 1250 શ્રી રામ શિલા પણ ગાયબ થઇ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે ધર્મસેનાના સ્થાપક સંતોષ દુબે આક્ષેપ કર્યો છે.
પોલીસમાં ફરિયાદ પણ આપી
આ અંગે તેમણે પોલીસમાં ફરિયાદ પણ આપી છે. જેમાં ટ્રસ્ટના પદાધિકારીઓ અને કર્મચારીઓ પર ઉચાપતનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ દરમિયાન રામ મંદિર દાન ચોરી કેસમાં ટીનુ યાદવના ઘરેથી કરોડો રૂપિયાનું સોનું મળી આવ્યું હોવાની પણ ચર્ચા છે.
હવે ફક્ત માટીના સ્લેબ જ બચ્યા છે
સંતોષ દુબેના જણાવ્યા અનુસાર શ્રી રામ શિલા અઢી દાયકા પહેલા સુધી કારસેવકપુરમમાં રાખવામાં આવી હતી. તેમજ માટીની શિલા પણ તેમની સાથે રાખવામાં આવી હતી. જેમાં હવે ફક્ત માટીની શિલા જ બચી છે. જ્યારે કિંમતી શ્રી રામ શિલા ગાયબ થઈ છે. તેમણે જણાવ્યું કે સોના, ચાંદી, હીરા અને અષ્ટધાતુથી બનેલ શ્રી રામ શિલાની સુરક્ષાની જવાબદારી ટ્રસ્ટના મહાસચિવની છે.
જૂના ટ્રસ્ટને મર્જ કરાયું ત્યારે શ્રી રામ શિલાનો કોઈ ઉલ્લેખ નહોતો
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના 5 ફેબ્રુઆરી, 2020 ના રોજ કરવામાં આવી હતી. જેમાં જૂના ટ્રસ્ટને તેમાં મર્જ કરવામાં આવ્યું હતું. આ સમયે ટ્રસ્ટના ખાતામાં રૂપિયા 8.5 કરોડનું બેલેન્સ દર્શાવવામાં આવ્યું હતું. તેમનો આરોપ છે કે તે સમયે પણ કિંમતી શ્રી રામ શિલાનો કોઈ ઉલ્લેખ નહોતો.