અજય મોતીવાલા
મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2008ની સૌપ્રથમ સીઝનનું ટાઇટલ જીત્યા બાદ રાજસ્થાન રૉયલ્સ (RR) ક્યારેય ચૅમ્પિયન નથી બન્યું અને આ વખતે શરૂઆતની એકધારી સફળતાઓ બાદ નીચલા ક્રમે ધકેલાતી ગયેલી આ ટીમના ફ્રૅન્ચાઇઝીને તાજેતરમાં નવા માલિકો (મિત્તલ ઉદ્યોગગૃહ) મળ્યા અને એની `સીધી અસર' શનિવારે જયપુરમાં જોવા મળી જેમાં નવી માલિકી પછીની પહેલી જ મૅચમાં `ઈજાગ્રસ્ત' કૅપ્ટન રિયાન પરાગ (RIYAN PARAG)ની `હકાલપટ્ટી' જોવા મળી.
આ વખતની આઇપીએલમાં શ્રેયસ ઐયર, શુભમન ગિલ, ઇશાન કિશનને બાદ કરતા બાકીના લગભગ તમામ ભારતીય કૅપ્ટનો સારું રમવામાં નિષ્ફળ રહ્યા છે અને એમાં રિયાન પરાગનો પણ સમાવેશ છે. શનિવારે જયપુરમાં ગુજરાત ટાઇટન્સ સામેની મહત્ત્વની લીગ મૅચમાં રાજસ્થાનની ટીમનું સુકાન યશસ્વી જયસ્વાલને સોંપવામાં આવ્યું હતું. કારણ એવું અપાયું હતું કે પહેલી મેએ દિલ્હી સામેની મૅચમાં રિયાન પરાગને પગમાં જે ઈજા થઈ હતી એને લીધે તે શનિવારની મૅચમાં નથી રમ્યો. જોકે રિયાનને બૅટ્સમૅન તરીકેના સરિયામ ખરાબ પર્ફોર્મન્સ બદલ તેમ જ રાજસ્થાનને પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ-ટૂમાં લાવવા નવા માલિકો તત્પર છે એ કારણસર રિયાનને શનિવારે બેન્ચ પર જ બેસાડી રાખવામાં આવ્યો હોવાની ભારતીય ક્રિકેટમાં ચર્ચા છે.
જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી એન. મિત્તલ તથા તેમના પુત્ર આદિત્ય મિત્તલ તેમ જ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઇઓ અદર પૂનાવાલાએ ભેગા થઈને રાજસ્થાન રૉયલ્સનું ફ્રૅન્ચાઇઝી અંદાજે 15,660 કરોડ રૂપિયામાં ખરીદી લીધું છે. તેમણે જેમની પાસેથી આ ફ્રૅન્ચાઇઝી ખરીદ્યું છે એના માલિકોમાં મુખ્યત્વે મનોજ બેદાલેનો સમાવેશ હતો. લક્ષ્મી મિત્તલ શનિવારની મૅચ અગાઉ રાજસ્થાનના ખેલાડીઓને મળ્યા હતા અને તેમણે કૅપ્ટન રિયાન પરાગ તથા તેના ડેપ્યૂટી યશસ્વી જયસ્વાલ સાથે લાંબી ચર્ચા કરી હતી. એ ચર્ચા બાદ ટૉસ વખતે કૅપ્ટન તરીકે રિયાનને બદલે યશસ્વી મેદાન પર આવતાં ઘણાને આશ્ચર્ય થયું હતું અને ટીમના માળખામાં મોટી ઊથલપાથલ જોવા મળશે એવી ચર્ચા થવા લાગી હતી. સ્વાભાવિક છે કે જે માલિકો એક ટીમને ખરીદવા પાછળ 15,660 કરોડ રૂપિયાનો તોતિંગ ખર્ચ કરે તેઓ ઇચ્છે કે પોતાનો એકેએક ખેલાડી તેની સર્વશ્રેષ્ઠ ક્ષમતાથી પર્ફોર્મ કરે અને એ નિયમ ટીમના કૅપ્ટનને પણ અચૂક લાગુ પડે.
અગાઉ કેટલીક મૅચોમાં મુખ્ય સ્પિનર રવીન્દ્ર જાડેજાનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવા બદલ ટીકાકારોનું નિશાન બનેલા સુકાની રિયાન પરાગનો આ વખતની આઇપીએલમાં પર્ફોર્મન્સ ખૂબ નબળો રહ્યો છે. પહેલી મેની દિલ્હી સામેની મૅચમાં રિયાને જે 90 રન કર્યા હતા એને બાદ કરતા તે આખી ટૂર્નામેન્ટમાં નિરાશાજનક રમ્યો છે. 10 મૅચમાં રિયાનના સ્કોરઃ 14 અણનમ, 8, 20, 3, 4, 12, 20, 7, 29 અને 90 રન.
એવી ચર્ચા છે કે રિયાન પરાગના ટીમના જૂના માલિકો સાથેના સંબંધો સારા હશે એટલે તેને અગાઉના નિરાશાજનક પર્ફોર્મન્સીઝ છતાં આ વખતની ટૂર્નામેન્ટમાં રાજસ્થાનની કૅપ્ટન્સી મળી હશે તેમ જ આ વખતે એક પછી એક મૅચમાં નિષ્ફળ જવા છતાં ટીમમાં કૅપ્ટન અને પ્લેયર તરીકે સ્થાન ટકાવી શક્યો. 2026ની સીઝનમાં રાજસ્થાનની સ્થિતિ શરૂઆતમાં સિલસિલાબંધ વિજય બદલ સારી હતી, પણ હવે એણે પ્લે-ઑફમાં સ્થાન મેળવવા સંઘર્ષ કરવો પડે એવી હાલત છે.