પ્રફુલ શાહ
પુરુલિયા આર્મ્સ ડ્રોપ કાંડ ભયંકર રહસ્યોનું એક મોટુંમસ પડીકું છે. રહસ્યો એવા કે જે દાયકાઓથી અકબંધ છે. પુરુલિયા આર્મ્સ ડ્રોપ કાંડ પાછળના બે મોટા માથા મનાતા પીટર બ્લીચ અને કિમ ડેવી બંનેએ આ ઘટનાનાં વર્ષો પછી દાવો કર્યો હતો કે ભારતીય સત્તાવાળાઓને હથિયારો પડવાના પ્લાનની અગાઉથી જાણ હતી. આઘાતજનક છે ને? દલીલ માનવી પડે કે કાંડના બે મુખ્ય સૂત્રધારની વાતો પર કેટલો વિશ્વાસ મૂકી શકાય? અને શા માટે? પરંતુ ઘણું એવું બન્યું કે બેઉંના દાવા વિશે વિચારવાની જરૂર લાગ્યા વગર ન રહે.
બન્ને આરોપી જે ‘ભારતીય સત્તાવાળાઓ’નો ઉલ્લેખ કરે છે એ કોણ? જોકે આમેય સમગ્ર ઘટનાક્રમમાં સુરક્ષા અને ગુપ્તચર તંત્રની ભૂમિકા અંગે પાછળથી અનેક સવાલો ઊભા થયા જ હતા. સૌથી મોટો સવાલ કે રહસ્ય એ છે કે શું ભારતને આર્મ્સ ડ્રોપ કાંડની આગોતરી જાણ હતી? આ સવાલ પુરુલિયા આર્મ્સ ડ્રોપ કાંડને માત્ર એક સામાન્ય અપરાધને બદલે રહસ્યમય રાજકીય-ગુપ્તચર દાવપેચમાં ફેરવી નાખે છે.
આ મતલબના દાવાઓને આધારે 2011માં અખબારી કાનાફુસી શરૂ થઈ કે કદાચ, રિપીટ કદાચ, તત્કાલીન પી. વી. નરસિંહારાવ સરકારના કેટલાક તંત્રને સમગ્ર ઓપરેશનની જાણ હતી, પરંતુ આ દાવાને સાબિત થયેલી હકીકત તરીકે સ્વીકારી ન શકાય.
કારણ એ જ કે આ દાવા અને આક્ષેપો મુખ્યત્વે આરોપીઓના જ બયાન અને મીડિયા તપાસ પર આધારિત હતા. આજ સુધી ભારત સરકારે એવો સત્તાવાર સ્વીકાર કર્યો નથી કે નરસિંહારાવ સરકારે પુરુલિયા આર્મ્સ ડ્રોપ કાંડને લીલી ઝંડી બતાવી હતી.
હા, આ મામલામાં રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ(રો)ની ભૂમિકા અંગે પણ શંકા-કુશંકાઓ વ્યક્ત થઈ હતી. કોઈ પણ પ્રકારના આધાર કે પુરાવા વગર એક ચોંકાવનારી શક્યતા ચર્ચાઈ હતી કે આ આખું પુરુલિયા આર્મ્સ ડ્રોપ ઓપરેશન પશ્ર્ચિમ બંગાળની તે સમયની ડાબેરીઓની જ્યોતિ બાસુ સરકારને અસ્થિર કરવા માટેની ગુપ્ત કાર્યવાહી હતી. જો કે રોએ આ ઓપરેશન કર્યું હતું અથવા કેન્દ્રે તેને મંજૂરી આપી હોવાનું નિશ્ચિતપણે સાબિત થયું નથી.
તો આખા મામલામાં સાબિત થયું શું? એક, પરદેશી વિમાનમાંથી દેશમાં હથિયારો પડ્યા. બે, આ શસ્ત્ર સરંજામ મળી આવ્યો, વિમાન પકડાયું અને કેટલાક પરદેશી આરોપીઓને સજા થઈ.
આ ધટના વખતે વી. નરસિંહા રાવ વડા પ્રધાન હતા ને રક્ષા મંત્રાલય પોતાના હસ્તક રાખ્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન મહારાષ્ટ્રના શંકરરાવ ભાઉસાહેબ ચવાણ અને રોના વડા એ. કે. વર્મા હતા. આવા મામલામાં હવે અગત્યનો ગણાતો નેશનલ સિક્યોરિટી એડવાઈઝરનો હોદ્દો ત્યારે નહોતો. નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ અને નેશનલ સિક્યોરિટી એડવાઈઝરનો હોદ્દો 1998ની 19 નવેમ્બરે અટલ બિહારી વાજપેયી સરકાર લાવી અને બ્રજેશ મિશ્રા ભારતના પ્રથમ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર બન્યા હતા.
એક રસપ્રદ બાબત એ છે કે રોને બ્રિટિશ ગુપ્તચર સંસ્થા ખઈં5 તરફથી અગાઉથી પુરુલિયા આર્મ્સ ડ્રોપ અંગે માહિતી મળી હતી. 1995ની 25 નવેમ્બરે રો(વડા એ. એસ. સ્યાલી)એ ઈન્ટેલિજન્સ બ્યુરો(વડા ડી.સી. પાઠક), કેબિનેટ સેક્રેટરી ( સુરેન્દ્ર સિંહ, હોમ સેક્રેટરી (કે. પદ્મનાભૈયા) અને ડિફેન્સ સેક્રેટરી( કે. એ. નામ્બિયાર) સાથે આ માહિતી શેર કર હતી. આમ છતાં 21 દિવસ બાદ એટલે કે 17 ડિસેમ્બરે વિમાન ભારતમાં પ્રવેશ્યું અને હથિયારો પડ્યાં જ! કેમ? આ લાપરવાહી કે ઇરાદાપૂર્વકનું મૌન હતું? એક-બે બેદરકાર કે બેજવાબદાર હોઈ શકે પણ બધેબધા સામૂહિકપણે આંખ આડા કાન કરે એ યોગાનુયોગ કેવી રીતે હોઈ શકે?
આ સંજોગોમાં હથિયારો પાછળનો સાચો માસ્ટરમાઇન્ડ કોણ હતો અને ભારતીય તંત્રના કોઈ ઉચ્ચ સ્તરના અધિકારીઓને અગાઉથી જાણ હતી કે નહીં એ સવાલ રહે છે ખરો?
શરૂઆતમાં પશ્ચિમ બંગાળ પોલીસે આર્મ્સ ડ્રોપ કેસની તપાસ હાથ ધરી હતી પરંતુ પછી ઘટનાની ગંભીરતાને કારણે 28 ડિસેમ્બર 1995ના રોજ સી. બી. આઇ.એ તપાસ હાથમાં લીધી હતી. સી. બી. આઇ.એ હથિયારોનો સ્ત્રોત શોધ્યો, વિમાનની મુસાફરીનો રૂટ તપાસ્યો, વિમાનના ક્રૂની પૂછપરછ કરી,આંતરરાષ્ટ્રીય સંપર્કો શોધ્યા, પીટર બ્લીચ અને કિમ ડેવીના રોલ જાણ્યા-સમજ્યા, હથિયારો ક્યાં પહોંચવાનાં હતાં તે શોધવાનો પ્રયાસ કર્યો, આનંદ માર્ગના આશ્રમમાં પણ દરોડા પાડ્યા અને કેટલાક લોકોની ધરપકડ થઈ હતી, જોકે તેઓ પછી જામીન પર બહાર આવ્યા.
આ ઘટનાનો મુખ્ય આરોપી કિમ ડેવી કાયમ કોર્ટની પહોંચની બહાર રહ્યો. પીટર બ્લીચે લગભગ આઠ વર્ષ જેલમાં વીતાવ્યા. તે 2004માં રાષ્ટ્રપતિની માફી બાદ જેલમાંથી મુક્તિ પામ્યો હતો. તેની મુક્તિ માટે બ્રિટિશ સરકારનું દબાણ કારણરૂપ હોવાના અહેવાલો હતા.
કિમ ડેવીનો કેસ વધુ રહસ્યમય છે. એ ડેનમાર્કમાં હોવાની ખબર બાદ ભારતે તેની ધરપકડ અને પ્રત્યાર્પણ માટે પ્રયાસ કર્યા. આ કેસમાં ડેનિસ અદાલતે એના ભારતને પ્રત્યાર્પણ ન કરવાની મંજૂરી આપી. આ નિર્ણય તેની નિર્દોષતા બદલ નહોતો પણ ભારતમાં જેલની પરિસ્થિતિ અને માનવ અધિકારો અંગેની ચિંતાઓ હતી. પણ કિમે ફગાવેલાં શસ્ત્રોથી ભારતની સરહદ અને કાયદાનું ઉલ્લંઘન થયું એનું શું? આવા પરદેશી ગુનેગારો માટે 5 સ્ટાર હોટલ જેવી સુવિધા ધરાવતી જેલ ચાલે? કે 7 સ્ટાર હોટલ જોઈશે?
સત્ય કાયમ અંધારામાં રહેતું નથી. તો રાહ જોઈએ. (સંપૂર્ણ )