Sun Jun 21 2026

Logo

સ્ટેશન પર ચાર્જમાં મૂકેલા મોબાઈલમાંથી સિમ કાર્ડ ચોરનારો યુવક પકડાયો

2026-06-21 19:18:41
Author: Yogesh C Patel
Article Image

ઑનલાઈન ગેમ રમવા સિમ કાર્ડની મદદથી લૉન લેતો અથવા ખાતામાંથી નાણાંની ઉચાપત કરતો

પુણે: પુણેનો યુવક ઑનલાઈન ગેમ રમવા માટે નાણાંની વ્યવસ્થા કરવા સ્ટેશન પર ચાર્જમાં મૂકેલા પ્રવાસીના મોબાઈલ ફોનમાંથી સિમ કાર્ડ ચોરતો હતો. પછી એ સિમ કાર્ડની મદદથી ઈન્સ્ટન્ટ લોન લેતો અથવા બૅન્ક ખાતામાંથી નાણાંની ઉચાપત કરતો.પુણે રેલવે પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ સંકેત કુલકર્ણી (23) તરીકે થઈ હતી. પુણેના આકુર્ડી ખાતે રહેતા આરોપી પાસેથી રોકડ, ગુનામાં ઉપયોગમાં લેવાયેલો મોબાઈલ અને છેતરપિંડીથી મેળવેલી રકમમાંથી ખરીદવામાં આવેલી મોંઘી વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.

સાંગલીના વિનોદે બીજી જાન્યુઆરીએ પુણે રેલવે સ્ટેશન પરના સ્લીપર વેટિંગ રૂમમાં તેનો મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો. થોડા સમય પછી તેણે ફોન જોતાં તેમાંથી સિમ કાર્ડ ગુમ હોવાનું જણાયું હતું. નવું સિમ કાર્ડ મેળવીને વિનોદે તેના મોબાઈલમાં નાખ્યું ત્યાં સુધીમાં તો આરોપીએ વિનોદના નામે ઑનલાઈન મેળવી હતી અને તેમાંથી 1.13 લાખ રૂપિયાનો મોબાઈલ ખરીદ્યો હતો.

આ જ રીતે 29 મેના રોજ અન્ય એક પ્રવાસીના મોબાઈલમાંથી સિમ કાર્ડ ચોરાયું હતું. પોલીસે સ્ટેશન પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં બન્ને કેસમાં સંકેત શંકાસ્પદ રીતે ફરતો નજરે પડ્યો હતો. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે તેને તાબામાં લીધો હતો.પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીને ઑનલાઈન ગેમ રમવાની લત હતી.

આ માટે તેને નાણાંની જરૂર હતી. પ્રવાસીનું ચોરેલું સિમ કાર્ડ તે પોતાના મોબાઈલમાં નાખતો. પછી ગૂગલ ફોટોમાંથી ફરિયાદીની તસવીરો તેમ જ જરૂરી દસ્તાવેજો મેળવીને તે બૅન્ક ખાતાનો પિન નંબર બદલતો. ત્યાર બાદ ખાતામાંથી નાણાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો. આરોપીએ ત્રણ ગુનાની કબૂલાત કરી હોવાનો દાવો પોલીસે કર્યો હતો.