પુણે: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ખાડા અને ખરાબ રસ્તાના કારણે એક અત્યંત દુઃખદ ઘટના ઘટી હતી. આ ઘટનામાં 11 વર્ષીય બાળકનું મોત થયું હતું. આ દુર્ઘટના બાલેવાડી-મહાલુંગે વિસ્તારમાં બની હતી. આવી દુર્ઘટનાઓ અવારનવાર બનતી જાય છે, છતાં તંત્ર આંખો આડા કાન કરીને બેઠું છે.
જાણકારી અનુસાર પિતા પોતાના દીકરા અને દીકરીને લઈને બાઈક પર જઈ રહ્યા હતા. તે સમયે અચાનક જ માર્ગમાં ખાડામાં બાઈક ખાબકતા ચાલકનું સંતુલન બગડતા તેઓ બંને બાળકો સહિત રસ્તા પર પડી ગયા હતા. તે જ સમયે પાછળથી આવતા એક આઇસર ટ્રક રસ્તા પર પડી ગયેલા બાળક પરથી પસાર થઇ જતા બાળકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર પરિવાર શોક્ગ્રસ્ત બન્યો હતો.
ખરાબ રસ્તાઓને કારણે દુર્ઘટનાનું જોખમ વધ્યું
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટના ત્યાના સીસીટીવીમાં રેકોર્ડ થઈ હતી. આ દુર્ઘટના બાદ સ્થાનિકોએ વિસ્તારના જર્જરિત રસ્તાઓ અને ઊંડા ખાડાઓને લઈને પ્રશાસન વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી. લોકોના જણાવ્યા અનુસાર ખરાબ રસ્તાઓના લીધે આવી દુર્ઘટના બનવાનું જોખમ વધતું જાય છે.
પ્રશાસન મૂકદર્શક બની જોયા કરે છે
હાલમાં આ સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ છે અને આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં પણ રોષ વ્યાપી ગયો હતો. ત્યાંથી પસાર થનાર દરેક વાહન ચાલકોને જર્જરિત રસ્તાઓના લીધે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશના અલગ અલગ ભાગોમાં રસ્તાના ખાડાઓના કારણે લોકોના મૃત્યુ થાય છે, અને પ્રશાસન મૂકદર્શક બની આ બધું જોયા કરે છે.