Sat Aug 29 2026

Logo

પ્રિયંકા ચોપરાએ ચાહકોને આપ્યું મોટું સરપ્રાઈઝ: ફિલ્મ 'ધ બ્લફ'ના સ્ક્રીનિંગમાં પહોંચી, વીડિયો થયો વાયરલ...

2026-02-25 20:52:00
Author: Darshana Visaria
પ્રિયંકા ચોપરાએ ચાહકોને આપ્યું મોટું સરપ્રાઈઝ: ફિલ્મ 'ધ બ્લફ'ના સ્ક્રીનિંગમાં પહોંચી, વીડિયો થયો વાયરલ...

દેસી ગર્લ તરીકે ઓળખાતી બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપ્રાએ બોલીવૂડની સાથે સાથે હોલિવૂડમાં પણ પોતાની એક્ટિંગથી ડંકો વગાડ્યો છે. હાલમાં પીસી તેની આગામી હોલીવુડ ફિલ્મ 'ધ બ્લફ' (The Bluff) ને લઈને સતત ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હતું, જેમાં પ્રિયંકાએ કંઈક એવું કર્યું કે ત્યાં હાજર રહેલા ફેન્સની ખુશીનો પાર રહ્યો નહોતો. પ્રિયંકાએ કોઈ પણ પૂર્વ જાણકારી વગર થિયેટરની અંદર સરપ્રાઈઝ એન્ટ્રી કરી હતી. ચાલો તમને આખી સ્ટોરી વિસ્તારથી જણાવીએ... 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે ફેન્સ થિયેટરમાં બેસીને ફિલ્મ જોવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અચાનક પ્રિયંકા ચોપરા તેમની વચ્ચે આવી ગઈ હતી અને પીસીને જોઈને આખું થિયેટર તાળીઓ અને ચિચીયારીઓથી ગૂંજી ઉઠ્યું હતું. આ સમયે દેસી ગર્લ પીસીએ ફેન્સ સાથે વાતચીત પણ કરી હતી, તેમની સાથે સેલ્ફી લીધી હતી અને ફિલ્મ પ્રત્યેના તેમની પ્રતિક્રિયાઓ પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ફિલ્મ 'ધ બ્લફ' વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં પ્રિયંકા ચોપ્રા આ ફિલ્મમાં એક મહિલા ચાંચિયાના શક્તિશાળી પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મની વાર્તા 19મી સદીના કેરેબિયન આઈલેન્ડ પર આધારિત છે અને એમાં એક્શન અને ડ્રામાનો એક્સ્ટ્રા તડકો જોવા મળશે. લૂકની વાત કરીએ તો પીસીએ આ ફિલ્મ માટે પ્રોસ્થેટિક મેકઅપ અને ગંભીર ઈજાઓના નિશાનવાળો લૂક અપનાવ્યો છે, જેના ફોટો તેણે પહેલાં પણ  સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

પ્રિયંકાના આ ડાઉન-ટુ-અર્થ અંદાજની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે કે આટલી મોટી ગ્લોબલ સ્ટાર હોવા છતાં પ્રિયંકા આજે પણ તેના ચાહકો સાથે સીધો સંપર્ક રાખવામાં માને છે. આ વીડિયો અત્યારે ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર એકદમ ટોપ ટ્રેન્ડમાં છે.

પીસી સોશિયલ મીડિયા પર ખાસી એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ સાથે દીકરી માલતી સાથેની મસ્તીના ફોટો અને વીડિયો કે નિક સાથેના વેકેશનના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. ફેન્સ પણ આતુરતાપૂર્વક પીસીની પોસ્ટની રાહ જોતા હોય છે અને લાઈક અને કમેન્ટ્સ કરીને વ્હાલ વરસાવતા હોય છે.