નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બૌદ્ધિક નક્સલવાળી ટિપ્પણી પર જાણીતા અભિનેતા પ્રકાશ રાજે આકરા પ્રહારો કર્યા છે. પોતાના એક્સ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને 61 વર્ષીય પ્રકાશ રાજે પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે વડા પ્રધાન પાસે હવે માત્ર થોડા જ વર્ષો બચ્યા છે, તેથી તેમણે લાલ કિલ્લાનો ઉપયોગ માત્ર નામકરણના સમારોહ માટે કરવાને બદલે દેશના વાસ્તવિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે વિશેષ રૂપે સરકારી શાળાઓ અને શિક્ષકોની કથળતી હાલત સુધારવા પર ભાર મૂક્યો હતો.
15 ઓગસ્ટના લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં પીએમ મોદીએ દેશવાસીઓને એવા 'દિમાગી નક્સલો'થી સાવધાન રહેવા જણાવ્યું હતું, જેઓ દેશમાં હિંસા અને અશાંતિ ફેલાવવાની ફિરાકમાં હોય છે. બીજી તરફ આ જ દિવસે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકે સરકારી શાળાઓની બદ્તર હાલત અંગે 'સ્કૂલ ઠીક કરો' અભિયાનની જાહેરાત કરી હતી. CJPના પ્રવક્તા સૌરવ દાસે પણ પીએમની ટિપ્પણીનો વિરોધ કરતા કહ્યું હતું કે સરકારને સવાલો પૂછતા ભણેલા-ગણેલા યુવાનોને નક્સલવાદી ન કહી શકાય. પ્રકાશ રાજનો ઈશારો પણ આ જ અભિયાન અને યુવાનો તરફ હતો.
પોતાના વીડિયો સંદેશમાં પ્રકાશ રાજે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, 'સુપ્રીમ લીડરે' આખરે સ્વીકારી લીધું કે જે લોકો સરકાર પાસે જવાબ માંગે છે અથવા અસહમતિ દર્શાવે છે, તેઓ બુદ્ધિશાળી છે. તેમણે ઉમેર્યું કે અત્યાર સુધી આવા લોકોને 'અર્બન નક્સલ', 'વિકાસ વિરોધી' કે 'કોકરોચ' કહેવાતા હતા, અને હવે તેમને નવું નામ અપાયું છે.
પ્રકાશ રાજે આગળ કહ્યું હતું કે આ 'દિમાગી નક્સલો' જ ગામડાઓની સરકારી શાળાઓમાં જઈને ત્યાંના શૌચાલયો, વર્ગખંડો, શિક્ષકોની અછત અને બાળકોની મુશ્કેલીઓનું વાસ્તવિક ચિત્ર દેશ સમક્ષ રજૂ કરી રહ્યા છે.
અભિનેતાએ પોતાના નિવેદનના અંતમાં દેશની જનતાને જાગૃત થવા માટે સીધી અપીલ કરી હતી. તેમણે કહ્યું કે હવે જ્યારે લોકોએ દેશ માટે કામ કરતા આ સાચા યુવા ભારતીયોને જોઈ લીધા છે, ત્યારે કોનો સાથ આપવો તે જનતાએ જાતે નક્કી કરવાનું છે.
પ્રકાશ રાજે લોકોને અંધભક્ત કે ગુલામ નહીં બનવાની સલાહ આપતા જણાવ્યું હતું કે નાગરિકોએ મગજનો ઉપયોગ કરીને બુદ્ધિશાળી બનવું જોઈએ અને સરકારની ગુલામી કરવાને બદલે તેમને સવાલો પૂછવાની હિંમત દાખવવી જોઈએ.