Wed Jul 01 2026

Logo

પીએમ મોદીએ માલદામાં મમતા સરકારને આડે હાથે લીધી, કહ્યું આ નિર્દય સરકારને ઉથલાવવી જરૂરી...

2026-01-17 11:18:00
Author: Chandrakant Kanoja
Article Image

માલદા : પશ્ચિમ બંગાળ આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓના પગલે રાજકારણ ગરમાયું છે. જેમાં આ વખતે ભાજપ અને ટીએમસી આમને સામને છે. આ દરમિયાન પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં એક રેલીને સંબોધિત કરી. તેમણે મમતા સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે આજે બંગાળ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આયુષ્માન ભારત યોજના લાગુ કરવામાં આવી નથી. તેથી  બંગાળમાંથી આ નિર્દય સરકારને ઉથલાવવી ખૂબ જ જરૂરી છે

ઓડિશામાં પહેલી વાર ભાજપની સરકાર બની 

આ રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, દશકોથી પૂર્વી ભારત એવા લોકોના નિયંત્રણમાં હતું જેઓ ભાગલાવાદી રાજકારણ કરતા હતા. ભાજપે આ રાજ્યોને તેમના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા છે. પીએમ મોદીએ કહ્યું  કે, ઓડિશામાં પહેલી વાર ભાજપની સરકાર બની છે. ત્રિપુરાએ ઘણા વર્ષોથી ભાજપ પર વિશ્વાસ કર્યો છે. આસામે પણ તાજેતરની ચૂંટણીઓમાં ભાજપ પર વિશ્વાસ દર્શાવ્યો હતો. બિહારમાં ફરી એકવાર ભાજપ-એનડીએ સરકાર ચૂંટાઈ આવી છે. 

બીએમસીમાં ભાજપે પહેલી વાર રેકોર્ડ જીત મેળવી 

પીએમ મોદીએ મહારાષ્ટ્ર મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો અંગે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે,  ગઈકાલે જ મહારાષ્ટ્રમાં શહેરી સંસ્થાની ચૂંટણીના પરિણામો જાહેર થયા  જેમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી. ખાસ કરીને, મહારાષ્ટ્રની રાજધાની અને વિશ્વની સૌથી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંની એક બીએમસીમાં ભાજપે પહેલી વાર રેકોર્ડ જીત મેળવી છે. થોડા દિવસો પહેલા જ  કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં પણ ભાજપે મેયરની બેઠક જીતી હતી.

દેશના મતદારો ભાજપના વિકાસ મોડેલ પર વિશ્વાસ 

આ ઉપરાંત  પીએમ મોદીએ જણાવ્યું કે, અનેક રાજ્યમાં ભાજપ માટે  ચૂંટણી જીતવી અશક્ય માનવામાં આવતી હતી. પરંતુ ત્યાં હવે ભાજપને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. આ દર્શાવે છે કે દેશના મતદારો ભાજપના વિકાસ મોડેલ પર વિશ્વાસ રાખે છે.