Sun Jun 14 2026

Logo

અયોધ્યા અને નેપાળના જનકપુર વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવાનું આયોજન, શ્રદ્ધાળુને થશે ફાયદો

2026-06-14 13:10:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : ભારત અને નેપાળ વચ્ચે સરહદ અંગેના વિવાદ વચ્ચે ભગવાન રામના જન્મ સ્થળ અયોધ્યા અને નેપાળના માતા સીતાના જન્મ સ્થળ જનકપુર સુધી રેલવે લાઇન નાખવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ અંગે બે દેશો વચ્ચે સર્વસંમતિ ઉભી થઇ હોવાની માહિતી સાંપડી છે. જો આ યોજના સાકાર થાય તો ભારત અને નેપાળ વચ્ચે સદીઓ જૂના સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધો નવી ગતિ મળશે. 

અયોધ્યા અને જનકપુરને જોડતી પેસેન્જર ટ્રેન સેવાઓનો લાભ મળશે 

આ પ્રોજેક્ટ શરૂ થતાં જ  યાત્રાળુઓને ટૂંક સમયમાં કાઠમંડુ, અયોધ્યા અને જનકપુરને જોડતી સીધી પેસેન્જર ટ્રેન સેવાઓનો લાભ મળી શકે છે. આ પહેલ બંને દેશો વચ્ચે સરહદ પાર જોડાણને મજબૂત બનાવશે જ નહીં પરંતુ બંને બાજુના લાખો યાત્રાળુઓની યાત્રાને પણ મોટા પ્રમાણમાં સુવિધા આપશે.

કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા માહિતી શેર કરી 

આ અંગે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, 11 અને 12 જૂનના રોજ બંને દેશોના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. આ ચર્ચાઓ 10 મી પ્રોજેક્ટ સ્ટીયરિંગ કમિટી (પીએસસી) અને 8મી જોઈન્ટ વર્કિંગ ગ્રુપ (જેડબ્લ્યુજી) બેઠકોનો ભાગ હતી. 

કાનૂની પ્રક્રિયાઓને અંતિમ સ્વરૂપ આપવા માટે કવાયત 

આ વાટાઘાટોનો મુખ્ય એજન્ડા જનકપુર-અયોધ્યા રૂટ પર નિયમિત પેસેન્જર ટ્રેન સેવાઓ શરૂ કરવા માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) ઘડવાનો હતો. આ  બંને દેશો આ રૂટને શક્ય તેટલી વહેલી તકે કાર્યરત કરવા માટે જરૂરી કાનૂની પ્રક્રિયાઓને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરી રહ્યા છે.

અયોધ્યા અને જનકપુર વચ્ચે 500 કિલોમીટરનું અંતર 

ઉલ્લેખનીય છે કે, નેપાળમાં માતા સીતાના પવિત્ર જન્મસ્થળ તરીકે  શહેર જનકપુર રાજધાની કાઠમંડુથી આશરે 220 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં આવેલું છે. જે ભારતમાં ભગવાન રામના શહેર અયોધ્યાથી લગભગ 500 કિલોમીટર પૂર્વમાં આવેલું છે. હાલમાં ભારત અને નેપાળ બંને તરફથી મોટી સંખ્યામાં ભક્તો દર વર્ષે આ બે પવિત્ર ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે. તેમજ સીધી ટ્રેન સેવા શરૂ થવાથી શ્રદ્ધાળુઓને વારંવાર વાહનો બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.