Sun Jul 26 2026

Logo

પંઢરપુર યાત્રામાં પહેલીવાર મહારાષ્ટ્ર સરકારની એર એમ્બ્યુલન્સે બીમાર યાત્રાળુને બચાવ્યો

2026-07-25 20:50:27
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
અષાઢી એકાદશીએ પંઢરપુર શહેરની સાંકડી ગલીઓમાં ભગવાન વિઠ્ઠલના લાખો ભક્તોની ભીડ વચ્ચે છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કર્યા પછી નિર્માણ થયેલી કટોકટીમાં પહેલી વખત મહારાષ્ટ્ર સરકારે યાત્રા માટે શરૂ કરેલી એર એમ્બ્યુલન્સ સેવાની મદદથી ૫૪ વર્ષીય બાલુ પડલુને  સમયસર હોસ્પિટલમાં  પહોંચાડવામાં મદદ મળી હતી. 

મહારાષ્ટ્ર સરકાર દ્વારા શુક્રવારે મોડી રાત્રે જારી કરાયેલા એક નિવેદન અનુસાર છત્રપતિ સંભાજીનગરના રહેવાસી પડલુ ભગવાન વિઠ્ઠલ અને દેવી રુકમણીના દર્શન માટે સોલાપુર જિલ્લાના પંઢરપુર ગયા હતા, જ્યાં તેમને છાતીમાં દુખાવો થયો હતો. ડૉક્ટરોએ તેમને પહેલા તીન રસ્તા નજીકના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં  સારવાર આપી હતી અને પછી તેમને પંઢરપુરની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનો ઈસીજી કાઢતા તાત્કાલિક સારવારની આવશ્યકતા જણાઈ આવી હતી. 

લાખો યાત્રાળુઓથી ભરેલા રસ્તાને કારણે બાય રોડ તેમને હૉસ્પિટલ લઈ જવાથી  કિંમતી સમયનો બગાડ થવાની સંભાવના હોવાથી ડૉકટરોએ પડલુને સોલાપુર ઍરલિફ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. ઍર ઍમ્બ્યુલન્સ તેમને સોલાપુર ઍરપોર્ટ લઈ ગઈ હતી, જ્યાંથી તેમને કાર્ડિયોલોજિસ્ટ દ્વારા સારવાર માટે યશોધરા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જિલ્લા સિવિલ સર્જન ડૉ. વર્ષા ડોેઇફોડેએ જણાવ્યું હતું.

સોલાપુર ઍરપોર્ટ પર ઉતર્યા પછી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પડલુને મળ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ પણ કરી હતી. તેમણે ડૉક્ટરો સાથે દર્દીની સ્થિતિની સમીક્ષા પણ કરી હતી અને તેમને ખાતરી કરવા નિર્દેશ આપ્યો કે તમામ જરૂરી તબીબી સારવાર પૂરી પાડવામાં આવે.

અધિકારીના જણાવ્યા મુજબ અષાઢી વારી યાત્રા માટે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પંઢરપુરમાં ભેગા થાય છે, જેના કારણે કટોકટીના સમયમાં તબીબી સ્થળાંતર એક મોટો પડકાર બની ગયો છે. તેથી આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે આ વર્ષે ઍર ઍમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે જેથી ગંભીર રીતે બીમાર યાત્રાળુઓને ઝડપથી અદ્યતન તબીબી સુવિધાઓમાં ખસેડી શકાય અને તેનો જીવ બચાવી શકાય.