Sun Sep 06 2026

Logo

પાલઘરમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: વિશેષ પોક્સો કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી

2026-03-19 18:09:00
Author: Yogesh D. Patel
પાલઘરમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: વિશેષ પોક્સો કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી

થાણે: પાલઘર જિલ્લામાં 2018માં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાના ગુનાને ‘જઘન્ય’ ગણાવીને વિશેષ પોક્સો કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. વિશેષ જજ એન.કે. કાંરેડેએ 11 માર્ચે આપેલા ચુકાદામાં આરોપી સંદેશ ગણપત ખરપડે (35)ને ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સંબંધિત કલમો હેઠળ દોષી ઠેરવ્યો હતો. કોર્ટે આરોપી સંદેશ ખરપડેને સજા ઉપરાંત પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

તપાસકર્તા પક્ષના જણાવ્યા મુજબ પાલઘર જિલ્લાના વાડા તાલુકામાં પાંચમી ઑગસ્ટ, 2018ના રોજ આ ઘટના બની હતી. બાળકીનાં માતા-પિતા કામે ગયા હતા ત્યારે આરોપી મીઠાઇ આપવાને બહાને બાળકીને પોતાના ઘરે લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીના કૃત્યથી બાળકીને ઇજા થઇ હતી અને બાદમાં તેનાં માતા-પિતાએ લોહી વહેતું જોયું હતું.

કોર્ટે પીડિતાની ‘વિશ્ર્વસનીય’ જુબાની તેમ જ હુમલાની પુષ્ટિ કરતા તબીબી પુરાવા પર આધાર રાખ્યો હતો. આરોપીએ આચરેલા ગુનાને ‘જઘન્ય’ ગણાવ્યો હતો. બચાવ પક્ષે દલીલ કરી હતી કે અગાઉના વિવાદને કારણે ખોટી રીતે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને પીડિતાના અંગો પર બાહ્ય ઇજાઓના અભાવ તરફ ધ્યાન દોર્યું હતું. 

જોકે કોટે આ દાવાઓને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે કોઇ પણ માતા-પિતા તેમના બાળકના જીવનને ‘એરણ’ પર નહીં મૂકે અને તેને બરબાદ કરશે નહીં. આરોપીએ તેની નબળી નાણાકીય સ્થિતિ અને પહેલી વાર ગુનો આચર્યાનો ઉલ્લેખ કરીને દયા દાખવવાની વિનંતી કરી હતી. જોકે કોર્ટે જણાવ્યું હતું કે ગુનો જઘન્ય હોવાથી આરોપીને ગંભીર સજા થવી જોઇએ. વિશેષ સરકારી વકીલ વિજય એમ. મુંડેએ આરોપો પુરવાર કરવા માટે પીડિતા સહિત 12 સાક્ષીદારને ચકાસ્યા હતા. (પીટીઆઇ)

વધુ જુઓ...