Tue Aug 25 2026

Logo

પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગાની શેખીઃ ભારતીય ટીમ સાથે હાથ મિલાવવા કે નહીં એનો નિર્ણય...

colambo   2026-02-14 16:39:46
Author: Ajay Motiwala
પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગાની શેખીઃ ભારતીય ટીમ સાથે હાથ મિલાવવા કે નહીં એનો નિર્ણય...

કોલંબોઃ ક્રિકેટ મૅચની પહેલાં પાકિસ્તાન (Pakistan)ના કૅપ્ટન સાથે અને મૅચ પછી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાની અસરદાર પ્રથા ગયા વર્ષે દુબઈના એશિયા કપમાં ભારતીય ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને ભારતીય ખેલાડીઓએ શરૂ કરીને પાકિસ્તાનનું દુનિયાભરમાં નાક કાપ્યું હતું, પરંતુ પાકિસ્તાનના કૅપ્ટન સલમાન અલી આગાએ શનિવારે અક્કલનું પ્રદર્શન કરતા જણાવ્યું હતું કે ` રવિવારે ભારતીય ટીમ સાથે અમે હાથ મિલાવશું કે નહીં એ હજી અમે નક્કી નથી કર્યું, રવિવારે જ નક્કી કરીશું.'

સૂર્યકુમારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દુબઈના એશિયા કપમાં પાકિસ્તાન સામેની પહેલી મૅચ પહેલાં જ જાહેર કર્યું હતું કે એપ્રિલ, 2025માં કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓએ પરિવારોની નજર સામે હિન્દુ પુરુષો પર ગોળીબાર કરીને તેમના જીવ લીધા હતા એ ઘટના બદલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના આશયથી ભારતીય ખેલાડીઓની ટીમ પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ નહીં મિલાવે.

ગયા વર્ષે આ જાહેરાત કરવાની સાથે સૂર્યકુમારે ત્રણ જ દિવસમાં યુદ્ધ જીતી લેવા બદલ ભારત (India)ના જાંબાઝ સશસ્ત્ર દળોને બિરદાવ્યા હતા. દરમ્યાન, એક તરફ પાકિસ્તાન આતંકવાદની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપે છે અને બીજી બાજુ પાકિસ્તાનનો કૅપ્ટન સલમાન (Salman Agha)કહે છે કે ` દરેક ખેલાડીએ ક્રિકેટની ભાવનાને ધ્યાનમાં રાખીને જ મેદાન પર ઊતરવું જોઈએ. હવે રવિવારે શું કરવું એ તેમણે (ભારતીય ટીમે) વિચારવાનું છે.'

દુશ્મન-દેશ પાકિસ્તાનના ખેલાડીઓ ભારતીય પ્લેયર્સ સાથે હાથ મિલાવવા તૈયાર જ હશે, પણ હકીકત એ છે કે ભારતીય ખેલાડીઓ એ વિશેનો નિર્ણય દેશના ટોચના ક્રિકેટ અધિકારીઓ પર જ છોડશે. જોકે ભારતમાં ક્રિકેટ ધર્મની જેમ પુજાય છે અને કરોડો દેશપ્રેમીઓ નહીં જ ઇચ્છતા હોય કે રવિવારે ભારતીય ખેલાડીઓ પાકિસ્તાનના પ્લેયર્સ સાથે હાથ મિલાવે. ભારતીયોમાં પહલગામના હુમલાનો આઘાત હજી લેશમાત્ર ઓછો નથી થયો એટલે પાકિસ્તાનીઓ સાથે હાથ મિલાવવાનું ભારતીય નાગરિકોને ગમશે જ નહીં. એટલું જ નહીં, ખુદ ભારતીય ખેલાડીઓ પણ પાકિસ્તાનીઓ સાથે મિલાવવા નહીં જ ઇચ્છતા હોય.