Fri Jun 26 2026

Logo

ઓપરેશન સિંદૂર દરમિયાન શહીદ થયેલા 6 જાંબાઝોના નામ પહેલીવાર જાહેર, નેશનલ વોર મેમોરિયલમાં મળ્યું સ્થાન!

2026-06-26 14:47:51
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: સરકાર દ્વારા ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા છ બહાદુર સૈનિકોના નામ પહેલીવાર જાહેર કરવામાં આવ્યા છે. આ નામોનો ઉલ્લેખ નેશનલ વોર મેમોરિયલ વેબસાઇટ પર કરવામાં આવ્યો છે. આ વેબસાઇટ પર તેઓના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે કે જેણે ભારત માટે કોઈપણ યુદ્ધ અથવા ઓપરેશનમાં ભાગ લીધો હોય. હવે, આ વેબસાઇટ પર પાકિસ્તાન સામે લડતી વખતે શહીદ થયેલા શહીદોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં સુબેદાર મેજર પવન કુમાર, રાઇફલમેન સુનીલ કુમાર, લાન્સ નાયક દિનેશ કુમાર, એવી મૂડ મુરલીનાયક, હવાલદાર સુનીલ કુમાર સિંહ અને સુરેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે.

આ બધા નામોનો ઉલ્લેખ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની વેબસાઇટના રોલ ઓફ ઓનર વિભાગમાં કરવામાં આવ્યો છે. અહીં કુલ 26,626 શહીદોની યાદી આપવામાં આવી છે. આમાં 1947-48ના પાકિસ્તાન સાથેના યુદ્ધથી લઈને છેક ઓપરેશન સિંદૂરમાં ભાગ લેનારા સૈનિકોનો સમાવેશ થાય છે.

ગયા વર્ષે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરહદ પારના આતંકવાદને નાથવા માટે ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર હુમલો શરૂ કર્યો હતો. આ સંઘર્ષ લગભગ ચાર દિવસ સુધી ચાલ્યો હતો. જો કે આ અંગે અત્યાર સુધી સરકારે આ બાબત અંગે કોઈ માહિતી જાહેર કરી ન હતી. જ્યારે હવે પહેલી વખત છે કે જ્યારે ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે મે 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ ચાલેલા સંઘર્ષ દરમિયાન ભારતીય અને પાકિસ્તાની સૈનિકોમાં જાનહાનિના અહેવાલો અને અટકળો હતી. જોકે સરકારે હજુ સુધી ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા સૈનિકોની ઓળખ સત્તાવાર રીતે જાહેર કરી નહોતી. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે રોલ ઓફ ઓનર પર નામોનું પ્રકાશન એ ઓપરેશન દરમિયાન દેશ માટે પોતાના પ્રાણની કુરબાની આપનારા સશસ્ત્ર દળોના સૈનિકોની શહીદીની આ પ્રથમ સત્તાવાર પુષ્ટિ છે.