Fri May 22 2026

Logo

વન નેશન, વન ઈલેક્શન' મામલે જેપીસીની ગુજરાત મુલાકાત પૂર્ણ: શિક્ષણ, મીડીયા, ઉદ્યોગ ક્ષેત્રએ રજૂ કર્યા સૂચન

2026-05-21 21:05:07
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવા અંગેના ‘વન નેશન, વન ઈલેક્શન’ (એક દેશ-એક ચૂંટણી) પ્રસ્તાવ અંગે પરામર્શ કરવા રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) દ્વારા ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન વિવિધ રાજકીય પક્ષો, અધિકારીઓ અને સંસ્થાઓ સાથે વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. અંતિમ દિવસે બેઠક પૂર્ણ થયા બાદ જેપીસી અધ્યક્ષ પી.પી. ચૌધરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જો આ સુધારો 2029માં અમલમાં આવે તો 2029 પહેલા યોજાનારી તમામ ચૂંટણીઓની ટર્મ 5 વર્ષની જ રહેશે. આ ગણતરી મુજબ જો ગુજરાતમાં 2027માં વિધાનસભા ચૂંટણી યોજાય, તો આગામી ચૂંટણી 2034માં થઈ શકે છે. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે વારંવાર ચૂંટણીઓ યોજાવાથી દેશને અંદાજે રૂ. 7 લાખ કરોડનું નુકસાન થાય છે, જે એકસાથે ચૂંટણી યોજવાથી બચાવી શકાશે. રાજીનામા કે પક્ષાંતર ધારા હેઠળ સભ્ય ગેરલાયક ઠરે તેવી સ્થિતિમાં પેટાચૂંટણીઓ લોકશાહી ઢબે રાબેતા મુજબ જ થશે તેમ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

આ બેઠકો દરમિયાન વિપક્ષો દ્વારા સરકારના આ પ્રસ્તાવનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તેમના વિરોધના મુદ્દાઓને સાંભળવા છતાં તેમને સમજાવવા કોઈ ખાસ પ્રયત્નો કરાયા નથી, અને પાર્ટીએ આ સમગ્ર પ્રક્રિયાને સત્તાના કેન્દ્રીકરણનો પ્રયાસ ગણાવ્યો હતો. બીજી તરફ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ ઉગ્ર દલીલો કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઈસુદાન ગઢવીએ દલીલ કરી હતી કે એકસાથે ચૂંટણી થવાથી સત્તાધારી પક્ષને ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાની છૂટ મળી જશે. આ મુદ્દે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર સાથે ઉગ્ર દલીલો થઈ હતી. 

રાજકીય પક્ષો ઉપરાંત શિક્ષણ, ઉદ્યોગ અને પત્રકારત્વ જગતના પ્રતિનિધિઓએ પણ કમિટી સમક્ષ પોતાના સકારાત્મક અને નકારાત્મક પાસાઓ રજૂ કર્યા હતા. આ ચર્ચા દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ શૈક્ષણિક સેવાને 'ઈમર્જન્સી સેવા' જાહેર કરવાની માંગ કરી હતી, કારણ કે આચારસંહિતા અને શિક્ષકોની ચૂંટણી ફરજને લીધે શૈક્ષણિક કાર્યને ભારે નુકસાન થતું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત, મીડિયા પ્રતિનિધિઓએ એકસાથે ચૂંટણી યોજાવાથી રાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચામાં સ્થાનિક પ્રશ્નોનો અવાજ દબાઈ જવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ ચર્ચા દરમિયાન ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ ચિંતા વ્યક્ત કરી કે એકસાથે મતદાનથી કામદારો મોટી સંખ્યામાં રજા લેશે જેની સીધી અસર ઉત્પાદન પર પડશે.