Thu Jul 23 2026

Logo

વન નેશન વન ઈલેક્શનને ગુજરાત સરકારે સમર્થન આપ્યું, કૉંગ્રેસનો વિરોધ

2026-05-20 18:24:02
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ   ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બુધવારે લોકસભા અને વિધાનસભાઓની એકસાથે ચૂંટણી કરાવવાના વન નેશન વન ઈલેક્શન પ્રસ્તાવનું નિરિક્ષણ કરતી સંયુક્ત સંસદીય સમિતિને મળ્યા હતા અને વન નેશન વન ઈલેક્શનના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. 

વિપક્ષ કોંગ્રેસે આ પ્રસ્તાવની ટીકા કરી હતી અને તેને સત્તાના કેન્દ્રીકરણના હેતુથી બનાવેલો છુપાયેલો એજન્ડા ગણાવ્યો હતો. પટેલ ઉપરાંત, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, વરિષ્ઠ અધિકારીઓ અને ગુજરાત સરકારના અન્ય પ્રતિનિધિઓ પણ ગાંધીનગર નજીક ગિફ્ટ સિટી ખાતે જેપીસી પેનલને મળ્યા હતા અને પી પી ચૌધરીની અધ્યક્ષતાવાળી સમિતિ સમક્ષ રાજ્યના મંતવ્યો રજૂ કર્યા હતા.

બેઠક બાદ પત્રકારોને સંબોધતા સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર પ્રસ્તાવિત કાયદાને સંપૂર્ણ સમર્થન આપે છે કારણ કે તે રાષ્ટ્રીય હિતમાં છે. સંઘવીએ જણાવ્યું હતું કે આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ એકસાથે યોજીને ગુજરાત એક સાથે ચૂંટણીઓ યોજવાની દિશામાં આગળ વધી ગયું છે. 

આનાથી દેશભરના રાજ્યો માટે એક નવો દાખલો બેસાડવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે આપણે આને અસરકારક રીતે અમલમાં મૂકી શકીએ છીએ. વારંવાર થતી ચૂંટણીઓને કારણે વહીવટી તંત્ર પરના ભારણ પર પ્રકાશ પાડતા સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 2022 માં વિધાનસભાની ચૂંટણીઓ, 2024 માં લોકસભાની ચૂંટણીઓ અને 2026 માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી, જ્યારે 2027 માં બીજી ચૂંટણી યોજાવાની છે.

તેમણે કહ્યું કે ચૂંટણી વ્યવસ્થાપનમાં પોલીસ અને વહીવટી તંત્ર સહિતની એજન્સીઓનો મોટા પાયે માનવબળ અને સમયનો વ્યય થાય છે. ગુજરાત સરકારના એક સર્વે મુજબ, એક વિધાનસભા કે લોકસભા ચૂંટણી દરમિયાન સરકારી કર્મચારીઓના લગભગ 50 લાખ વર્કિંગ અવર્સ ખર્ચાયા હોવાનો દાવો સંઘવીએ કર્યો હતો.તેમણે કહ્યું કે ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનો અમલ કલ્યાણકારી કાર્ય અને નિયમિત વહીવટને અસર કરે છે.
સંઘવીએ કહ્યું કે ગુજરાત સરકારે જેપીસીને વિગતવાર ડેટા અને ઇનપુટ્સ સબમિટ કર્યા છે અને પેનલને દરખાસ્તના અમલને ઝડપી બનાવવા વિનંતી કરી છે.

આ દરમિયાન, કૉંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ પણ જેપીસીને મળ્યું હતું. અમે વન નેશન વન ઈલેક્શન દરખાસ્ત અને બિલનો સખત વિરોધ કરીએ છીએ. આ બિલ લાવવા પાછળનો છુપાયેલ એજન્ડા સત્તાનું કેન્દ્રીકરણ છે, ચાવડાએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે આ પ્રસ્તાવ બંધારણીય ભાવના અને દેશના સંઘીય માળખાની વિરુદ્ધ છે. આપણું બંધારણીય માળખું દરેક રાજ્યને અલગ અલગ પ્રણાલીઓ અને સત્તાઓ આપે છે, અને આ પ્રસ્તાવ તેમને કેન્દ્રિય બનાવવાનો પ્રયાસ છે, 

ચાવડાએ અવિશ્વાસ દરખાસ્તો અને સરકારોના વિસર્જન સંબંધિત જોગવાઈઓનો પણ વિરોધ કર્યો હતો અને કહ્યું કે આ પ્રસ્તાવ નિશ્ચિત પાંચ વર્ષના આદેશના સિદ્ધાંતને નબળો પાડે છે. એક સાથે ચૂંટણીઓ ખર્ચ અને વહીવટી બોજ ઘટાડશે તેવી કેન્દ્રની દલીલને નકારી કાઢતા, ચાવડાએ કહ્યું કે ચૂંટણી સંબંધિત ખર્ચ સરકારી બજેટના એક ટકા કરતા પણ ઓછો હિસ્સો ધરાવે છે. તેમણે સુરક્ષા દળોની ઉપલબ્ધતા અને રાષ્ટ્રવ્યાપી એકસાથે ચૂંટણી માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો અને  વીવીપેટ મેળવવાના ખર્ચ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. 

કોંગ્રેસ નેતાએ વધુમાં દલીલ કરી હતી કે એકસાથે ચૂંટણીઓ સ્થાનિક મુદ્દાઓને રાષ્ટ્રીય મુદ્દાઓ ઢાંકી દેશે અને જો સંસદ, વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે યોજાશે તો મતદારોમાં મૂંઝવણ ઊભી થશે.

અમે આ બિલનો વિરોધ કરીએ છીએ કારણ કે તે આ દેશના સંઘીય માળખા અને બંધારણની ભાવનાની વિરુદ્ધ છે. આ એક બિલ છે જે રાજ્ય વિધાનસભાઓના અધિકારોને મર્યાદિત કરવા અને સત્તાનું કેન્દ્રીકરણ કરવા માટે રચાયેલ છે, એમ તેમણે જણાવ્યું હતું.

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં પરામર્શ કરી રહેલી જેપીસીએ મંગળવારે ગુજરાતના મુખ્ય સચિવને આ દરખાસ્ત અંગે તમામ વિભાગોના ઇનપુટ્સ ધરાવતો વ્યાપક અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.