Tue May 19 2026

Logo

થાણેમાં બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતાં એક જખમી

2026-05-18 20:27:12
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેમાં પાચપાખાડી વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની બિલ્ડિંગનો બીજા માળનો સ્લેબનો એક ભાગ પહેલા માળા પર તૂટી પડયો હતો, જેમાં ૪૯ વર્ષની વ્યક્તિ ગંભીર રીતે જખમી થઈ હતી.થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ પાચપાખાડીમાં ટેકડી બંગલા પાસે ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની માતોશ્રી સોસાયટી આવેલી છે. સોમવારે સવારના લગભગ ૧૦ વાગ્યાની આસપાસ બીજા માળા પર આવેલા ફ્લેટ નંબર ૨૦૫નો બેડરૂમનો સ્લેબ પહેલા માળા પરના ફ્લેટ નંબર ૧૦૫ નંબરની રૂમમાં પડ્યો હતો, જેમાં ૪૯ વર્ષના અનંત મ્હાત્રે જખમી થયા હતા. તેના હાથ અને નાકને મોટા પ્રમાણમાં ઈજા પહોંચી હતી, તેમને તરત નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

થાણે પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આ બિલ્િંડગ લગભગ ૩૫ વર્ષ જૂની છે. સોમવારે સવારના ૧૦.૦૫ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. આ બિલ્ડિંગ ‘સીટૂબી’ શ્રેણીમાં આવે છે. એટલે કે આ બિલ્િંડગને સમારકામની તાત્કાલિક આવશ્યકતા છે.
સોમવાર સવારની દુર્ઘટના બાદ ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર, અતિક્રમણ વિભાગ, બાંધકામ વિભાગ સહિતના સંબંધિત અધિકારીઓ પહોંચી ગયા હતા. અસરગ્રસ્ત પરિવારોને પાલિકાના ભાડાના મકાનમાં ખસેડવામાં આવશે એવું થાણે પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.