મુંબઈ: તાજેતરના વર્ષોમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ બે T20 વર્લ્ડ કપ જીતી ચુકી છે, ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા પણ છે, મહિલા ક્રિકેટ ટીમે પણ તાજેતરમાં ODI વર્લ્ડ કપ જીત્યો. ભારતીય ક્રિકેટનો હાલ સુવર્ણ કાળ ચાલી રહ્યો છે એવું કહી શકાય, પણ એક વાતની કમી વર્તાઈ રહી છે, વર્ષ 2011 થી પુરુષ ટીમ ODI વર્લ્ડ કપ જીતી શકી નથી.
ODI વર્લ્ડ કપ 2023 માં રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું, ટુર્નામેન્ટની દરેક મેચ જીતીને ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ.
હવે, ભારતીય ક્રિકેટ ટીમની નજર 2027ના ODI વર્લ્ડ કપ પર છે. મે મહિનામાં IPL સમાપ્ત થયા પછી BCCI સંપૂર્ણ ધ્યાન ODI ક્રિકેટ પર કેન્દ્રિત કરશે. BCCI ને અન્ય દેશોના ક્રિકેટ બોર્ડ તરફથી વિનંતીઓ મળી છે કે તેમની ટીમના ભારત પ્રવાસ દરમિયાન ODI મેચો ઉમેરવામાં આવે. અહેવાલ મુજબ BCCIએ કેટલીક અરજીઓ સ્વીકારી છે. BCCIએ પણ અન્ય દેશોને ODI મેચ ઉમેરવા વિનંતી કરી છે.
વિરાટ અને રોહિતને વધુ સમય મળશે:
ODI વર્લ્ડ કપ 2027, એટલા માટે પણ ખાસ છે, કેમ કે આ ટુર્નામેન્ટમાં બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રમવાના છે. વર્લ્ડ કપ પહેલા દ્વિપક્ષીય સિરીઝોમાં વધુ મેચ મળવાથી બંને ખેલાડીઓની તૈયારી મજબુત થશે, નોંધનીય છે કે વિરાટ અને રોહિત હાલ માત્ર ODI ફોર્મેટમાં જ રમી રહ્યા છે.
આ ટીમ સામે મુકાબલો થશે:
IPL બાદ ફઘાનિસ્તાનની ટીમ ભારત આવશે, બંને વચ્ચે એક ટેસ્ટ અને ત્રણ ODI મેચ રમાશે. ત્યાર બાદ ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાશે જશે, ત્યાં ત્રણ ODI અને પાંચ T20 મેચ રમાશે, આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ આયર્લેન્ડ સામે પણ રમી શકે છે.
ભારતીય ટીમ બાંગ્લાદેશ, વેસ્ટ ઇન્ડીઝ અને ન્યુઝીલેન્ડ સામે ODI સિરીઝ રમવાની છે. ભારતના ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમિયાન વધારાની ODI મેચો ઉમેરવાની માટે વિનંતી કરવામાં આવી છે. શ્રીલંકા ક્રિકેટ ODI સિરીઝ માટે BCCI વિનંતી કરી શકે.