કાઠમંડુઃ નેપાળમાં આજે ચૂંટણી યોજાઈ રહી છે. 2025માં વિરોધ પ્રદર્શન બાદ નેપાળના તત્કાલીન પીએમ કેપી શર્મા ઓલીની સરકાર પડી ગઈ હતી. 275 સીટો માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. નેપાળમાં ચૂંટણીના કારણે ભારતની બોર્ડર બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે નેપાળ પ્રવાસે ગયેલા ગુજરાતીઓ ફસાઈ ગયા છે. આ કારણે તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નેપાળમાં ચૂંટણીના કારણે બોર્ડર બંધ કરી દેવામાં આવી છે. સાંજે મતદાન પૂર્ણ થયા બાદ બોર્ડર ખોલવામાં આવશે. જેના કારણે અમદાવાદ-મહેસાણા સહિત રાજ્યના આશરે 60 જેટલા મુસાફરો સૌનોલી બોર્ડર પર ફસાઈ ગયા છે. બોર્ડર બંધ હોવાના કારણે કોઈપણ નાગરિકને ભારતમાં જવા દેવામાં આવતા નથી. જેથી બોર્ડર પાસે આવેલી હોટલમાં તેમણે રોકાણ કરવું પડ્યું છે.
નેપાળમાં આશરે 3 કરોડની વસ્તીમાંથી 1.90 કરોડ મતદારો નવી સરકાર પસંદ કરવા માટે મતદાન કરશે. 275 સભ્યોના પ્રતિનિધિ ગૃહ અથવા સંસદમાં 165 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મતદારો 165 સભ્યોને સીધા ચૂંટશે, જ્યારે બાકીની 110 બેઠકો પક્ષોને તેમના મત હિસ્સાના પ્રમાણમાં ફાળવવામાં આવશે. નેપાળના ચૂંટણી પંચ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી પૂર્ણ થયાં બાદ અને બેલેટ બોક્સ એકત્રિત કરવાની સાથે 24 કલાકની અંદર પરિણામ જાહેર કરી દેવામાં આવશે.
નેપાળમાં વડા પ્રધાનપદના મુખ્ય દાવેદારોમાં બાલેન્દ્ર શાહ, કેપી શર્મા ઓલી, ગગન થાપા અને પુષ્પા કમલ દહલનો સમાવેશ થાય છે. 35 વર્ષીય રેપરથી રાજકારણી બનેલા અને કાઠમંડુના ભૂતપૂર્વ મેયર બાલેન્દ્ર શાહ, મધ્યપંથી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના નેતા છે. ચાર વખત વડા પ્રધાન બનેલા કેપી ઓલી નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી (યુનિફાઇડ માર્ક્સવાદી-લેનિનિસ્ટ) ના છે. વિરોધ પ્રદર્શનોને પગલે ગયા વર્ષે તેમને વડા પ્રધાનપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.
ત્રણ વખત વડા પ્રધાન રહેલા 71 વર્ષીય પુષ્પ કમલ દહલ નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટીનું નેતૃત્વ કરે છે. 2006માં મુખ્ય પ્રવાહના રાજકારણમાં પ્રવેશતા પહેલા દહલે એક દાયકા સુધી માઓવાદી બળવાખોરીનું નેતૃત્વ કર્યું હતું અને તેમને દેશના સૌથી અગ્રણી નેતાઓમાંના એક ગણવામાં આવે છે. મધ્યપંથી નેપાળી કોંગ્રેસ પાર્ટીના 49 વર્ષીય ગગન થાપા પણ નેપાળી ચૂંટણીમાં મુખ્ય નેતાઓ પૈકીના એક છે.