મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ શનિવારે પાર્ટીમાં સત્તાના સંઘર્ષ અને વિભાજનની અટકળોને રદિયો આપતાં કહ્યું હતું કે પાર્ટીના વડા અજિત પવારના મૃત્યુ પછી ભારતીય ચૂંટણી પંચ સાથે પાર્ટીના ટોચના નેતાઓના સંદેશાવ્યવહાર બાબતે વધુ પડતી ચર્ચા થઈ રહી છે.વરિષ્ઠ નેતાઓ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે સામે એવા આરોપો છે કે તેમણે અજિત પવારના મૃત્યુ પછી એનસીપી પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો અને એવી પણ અટકળો છે કે વર્તમાન પક્ષના વડા સુનેત્રા પવાર તેમનાથી નારાજ હતા આ બધા પર પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.
એનસીપીના પ્રવક્તા સૂરજ ચવ્હાણે જણાવ્યું હતું કે અજિત પવારના સમયમાં પણ પ્રફુલ પટેલ પાસે પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે પાર્ટીના ઉમેદવારોને ‘એબી’ ફોર્મ સોંપવાની સત્તા હતી.16 ફેબ્રુઆરીએ પટેલ અને પાર્ટીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ સુનિલ તટકરે દ્વારા ચૂંટણી પંચને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે પાર્ટીના બંધારણ મુજબ, રાષ્ટ્રીય અધ્યક્ષની ગેરહાજરીમાં, પાર્ટીના કાર્યકારી પ્રમુખને મહત્વપૂર્ણ અને કટોકટીની પરિસ્થિતિઓમાં નિર્ણયો લેવાનો અધિકાર છે.
પત્ર વિશે વાત કરતા, ચવ્હાણે કહ્યું હતું કે, ‘પ્રમુખની નિમણૂક પછી, કાર્યકારી પ્રમુખ સાથેની સત્તાઓ રદબાતલ થઈ જશે.’‘તેથી, સત્તાના ઝઘડા અને આંતરિક વિખવાદની અટકળો જાણી જોઈને ફેલાવવામાં આવી છે અને તે પાયાવિહોણી અને ખોટી છે,’ એમ પણ તેમણે કહ્યું હતું.
સુનેત્રા પવાર દ્વારા ચૂંટણી પંચને લખાયેલા ચાર પાનાના પત્રમાં, તટકરે અને પટેલના નામનો ઉલ્લેખ તેમના હોદ્દા વગર કરવામાં આવ્યો હતો, જેને કારણે સંગઠનમાં તેમની સ્થિતિ અંગે અટકળો શરૂ થઈ હતી.
પત્રમાં પટેલ અને તટકરેના હોદ્દાના અભાવ અંગે વાત કરતા, ચવ્હાણે કહ્યું કે તેમના નામનો ઉલ્લેખ કાર્યકારી સમિતિના સભ્યો તરીકે કરવામાં આવ્યો છે, જે પક્ષની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે.ગુરુવારે રાત્રે સુનેત્રા પવાર અને તેમના પુત્ર પાર્થે નવી દિલ્હીમાં પ્રફુલ પટેલના નિવાસસ્થાને બેઠક કરી હતી. તે પહેલાં, પાર્થે પટેલ અને તટકરેને લક્ષ્ય બનાવતા અહેવાલોને ‘નિરાધાર અને કાલ્પનિક’ ગણાવ્યા હતા.