Wed Aug 19 2026

Logo

નાંદેડમાં બાઈકમાં ધડાકો?: એટીએસ તપાસમાં લાગી...

2026-03-21 18:43:00
Author: Yogesh C. Patel
Article Image

અગનગોળામાં ફેરવાયેલી બાઈક પાસે ઊભેલા યુવકનું મોત: ફોરેન્સિક ટીમને પણ બોલાવાઈ

મુંબઈ: નાંદેડ શહેરમાં એક બાઈક અચાનક અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી અને તે જ વખતે ધડાકા પણ સંભળાયા હોવાથી તંત્ર સાબદું થઈ ગયું હતું. આગમાં યુવકનું મોત નીપજ્યું હોવાથી ઘટનાને ગંભીરતાથી લઈ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) અને ફોરેન્સિક ટીમને પણ ઘટનાસ્થળે બોલાવાઈ હતી.પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની સવારે 9.30 વાગ્યે ગોદાવરી નદી નજીક વાજેગાંવ ભંડારામાં બની હતી. ઘટનામાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ શ્યામ બબનરાવ ઘાડગે (31) તરીકે થઈ હતી.

કહેવાય છે કે બાઈક અચાનક સળગી ઊઠતાં ઘાડગે ગંભીર રીતે દાઝ્યો હતો. પરભણીના વતની ઘાડગેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. ઘટનાસ્થળેથી ઘાડગેના મોબાઈલ ફોન સાથે એક કાર્ડ મળી આવ્યું હતું, જેને આધારે તેની ઓળખ થઈ હતી.પોલીસના જણાવ્યા મુજબ બાઈક અગનગોળામાં ફેરવાઈ ત્યારે ફટાકડા ફૂટતા હોય તેવો અવાજ સ્થાનિકોએ સાંભળ્યો હતો. આ અંગે જાણકારી મળતાં ઘટનાને ગંભીરતાથી લઈ એટીએસ અને ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક પોલીસ સાથે એટીએસ પણ આ મામલે તપાસ કરી રહી છે.

પોલીસની એક ટીમ બનાવની જાણકારી આપવા ઘાડગેના પરભણીના ઘરે પહોંચી હતી. પડોશીઓએ પોલીસને કહ્યું હતું કે ઘાડગે માનસિક રીતે અસ્વસ્થ હતો. તે મોટે ભાગે કોઈની સાથે ભળતો નહોતો, એવું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)