બાંદ્રા ટર્મિનસ પર 3 નવા પ્લેટફોર્મ બનશે, રોજની 30થી વધુ ટ્રેનો દોડાવવાની અને ટ્રાફિક મુક્ત કનેક્ટિવિટી આપવાની યોજના
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં બાંદ્રા પૂર્વના ગરીબ નગર વિસ્તારમાં પાંચ દિવસ ચાલેલી અતિક્રમણ વિરોધી ઝુંબેશ પછી પશ્ચિમ રેલવે હવે આ જમીન પર અનેક મોટા પ્રોજેક્ટ્સ વિકસાવવાની યોજના બનાવી રહી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે વર્ષોથી અતિક્રમણ, ભીડ, ટ્રાફિક જામ અને અવ્યવસ્થાનો સામનો કરી રહેલા બાંદ્રા સ્ટેશન વિસ્તારનો હવે પુનઃવિકાસ કરવામાં આવશે. અહીં એક સંકલિત રેલવે સંકુલ બનાવવામાં આવશે, જેથી મુસાફરો માટે સુખદ, આરામદાયક અને અનુકૂળ મુસાફરી સુનિશ્ચિત કરી શકાય.
અહેવાલો અનુસાર, આ વિસ્તારમાં કાટમાળ દૂર કરવા અને કોંક્રિટિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. રેલ્વેના જણાવ્યા અનુસાર, અહીં એક સંકલિત રેલ્વે સંકુલ, નવી સ્ટેબલિંગ લાઇન અને એક એલિવેટેડ રોડ બનાવવામાં આવશે. સાથે બાંદ્રા ટર્મિનસનું પણ વિસ્તરણ કરવામાં આવશે. હાલમાં, બાંદ્રા ટર્મિનસમાં 7 પ્લેટફોર્મ છે, 3 નવા પ્લેટફોર્મ બનાવીને 10 કરવાની યોજના ચાલી રહી છે.
Bandra East Garib Nagarमध्ये अतिक्रमण हटाव मोहीम | रेल्वे प्रशासन Action Mode मध्ये | गरीब नगरात Bulldozer Action#Mumbai #BandraEast #GaribNagar #BulldozerAction #MumbaiNews #Railway #Encroachment #BreakingNews #HighCourt #LatestNews pic.twitter.com/pmO2ccuflq
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) May 19, 2026
રોજના 30થી વધુ ટ્રેન દોડાવવાની યોજના
રેલવે અધિકારીઓનું કહેવું છે કે પ્લેટફોર્મની સંખ્યા વધારવાથી લાંબા અંતરની ટ્રેનોના સંચાલનમાં સુધારો થશે. હાલમાં, બાંદ્રા ટર્મિનસથી દરરોજ આશરે 21 લાંબા અંતરની ટ્રેનો ઉપડે છે, આ સંખ્યા વધારીને 30 કરવાની યોજના છે. વધુમાં રેલવેની માળખાગત સુવિધાઓ અને નવી સ્ટેબલિંગ લાઇનોની મદદથી આશરે 50 નવી ટ્રેન સેવાઓ શરૂ કરવાની યોજના ચાલી રહી છે. આનાથી પશ્ચિમ રેલ્વેની સેવાઓમાં વધારો થશે અને લાખો મુસાફરોને રાહત મળવાની અપેક્ષા છે.
કાર્યકારી ક્ષમતા બમણી કરવાની યોજના
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે બાંદ્રા પૂર્વ તરફ મુસાફરી કરતા મુસાફરોની સૌથી મોટી ફરિયાદ અવ્યવસ્થા અને ટ્રાફિક જામની હતી. હવે, આ જમીનને સાફ કરીને વ્યવસ્થિત પાર્કિંગ, પહોળા રસ્તાઓ અને રાહદારીઓ માટે સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેલવેનો દાવો છે કે આ વધારાની જમીન ભવિષ્યમાં રેલવેની કાર્યકારી ક્ષમતા લગભગ બમણી કરી શકે છે.
ટર્મિનસ-સ્ટેશન વચ્ચે પણ કનેક્ટિવિટી વધારાશે
અધિકારીઓના જણાવ્યા અનુસાર બાંદ્રા ટર્મિનસ અને બાંદ્રા સ્ટેશન વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે પણ કામ કરવામાં આવશે. રેલવે સંબંધિત કેટલીક કામગીરી પણ નવી ઉપલબ્ધ જમીન પર ખસેડવામાં આવી શકે છે. અગાઉ, બાંદ્રા સ્ટેશન પર આવતા લોકોને બાંદ્રા ટર્મિનસ જવા માટે ઓટો અથવા ટેક્સી લેવી પડતી હતી. અથવા તેમને ખાર સ્ટેશન પર ઉતરવું પડતું હતું. ખાર સ્ટેશનને ટર્મિનસ સાથે જોડવા માટે એક FOB બનાવવામાં આવ્યો છે. જોકે, આશા છે કે ભવિષ્યમાં આ સમસ્યાનો ઉકેલ આવશે.