Mon Sep 07 2026

Logo

મુંબઈમાં ઘાતક શસ્ત્રોથી હુમલો કરવાની ત્રણ ઘટનામાં ત્રણ ગંભીર જખમી

2026-09-05 17:51:40
Author: Yogesh C. Patel
મુંબઈમાં ઘાતક શસ્ત્રોથી હુમલો કરવાની ત્રણ ઘટનામાં ત્રણ ગંભીર જખમી

મુંબઈ: શહેરના માહિમ, વિક્રોલી અને ઘાટકોપરમાં બનેલી નજીવા વિવાદમાં ઘાતક શસ્ત્રોથી હુમલો કરવાની ત્રણ ઘટનામાં ત્રણ જણ ગંભીર રીતે ઘવાયા હતા. કોયતો, તલવાર અને ચાકુથી હુમલો કરનારાઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર ત્રણેય ઘટના ત્રીજી સપ્ટેમ્બરે બની હતી. માહિમમાં ઈન્સ્ટાગ્રામ મેસેજીસ પરથી થયેલા વિવાદમાં 17 વર્ષના સોહન સલીમ શેખ પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. સોહનને પહેલી સપ્ટેમ્બરે રિયોએ અભદ્ર અને ધમકીભર્યા મેસેજ મોકલાવ્યા હતા. બાદમાં ત્રીજી સપ્ટેમ્બરે શાહુનગરમાં કૅનેરા બૅન્ક બ્રિજ નજીક રિયો, રિયા, મતીન અને તેના સાથીઓએ સોહનને ગાંઠ્યો હતો.

બે આરોપીએ સોહનને પકડી રાખ્યો હતો, જ્યારે રિયોએ તલવારથી કથિત હુમલો કર્યો હતો. આ ઘટનામાં તેના પેટ, માથા અને ગરદન પર ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે તેને પહેલાં ખાનગી અને પછી પાલિકા સંચાલિત સાયન હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. એક્સ-રેના રિપોર્ટમાં તલવારની તૂટી ગયેલી અણી સોહનના પેટમાં ખૂંપેલી હોવાનું દર્શાવાયું હતું. પ્રાથમિક તપાસ બાદ શાહુનગર પોલીસે શકમંદોને પકડી પાડ્યા હતા.

બીજી ઘટનામાં વિક્રોલીમાં રિક્ષા ડ્રાઈવર સલમાન મકબુલ કુરેશી (27) પર બપોરે 3.30 વાગ્યાની આસપાસ કથિત હુમલો કરવામાં આવ્યો હતો. કુરેશી રિક્ષામાં વિક્રોલી રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે બાઈક પર આવેલા શાહબાઝ તુરૈયા ઉર્ફે શબુએ કુરેશીની રિક્ષાને આંતરી હતી.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે શબુએ દારૂ પીવા માટે કુરેશી પાસે 200 રૂપિયા માગ્યા હતા. જોકે કુરેશીએ ઇનકાર કરતાં શબુએ પીઠ પર કોયતાનો ઘા કર્યો હતો. બચવાના પ્રયાસમાં કુરેશીના ઘૂંટણમાં પણ ઇજા થઈ હતી. કુરેશીને બચાવવા મધ્યસ્થીનો પ્રયત્ન કરનારા તેના ભાઈ, પત્ની અને અન્યોને પણ શબુએ મારવાની ધમકી આપી હતી. પાર્કસાઈટ પોલીસે ગુનો નોંધી શબુની ધરપકડ કરી હતી.

ઘાટકોપર પૂર્વમાં બનેલી હત્યાના પ્રયાસની ઘટનામાં ડિલિવરી બૉય સોનુ રાજુ ખાલસે (24) પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. બપોરે 1.15 વાગ્યે સોનુ કામરાજ નગરના જોડીબા મંદિર પાસે બેઠો હતો ત્યારે અસલમ ઝાકીર હુસેન શેખ ત્યાં આવ્યો હતો. સોનુએ તેને જોઈને કથિત ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ કરી શેખે ઝઘડો કર્યો હતો.

મારપીટ પર ઊતરી આવેલો શેખ ત્યાંથી જતો રહ્યો હતો અને ગણતરીની મિનિટોમાં ચાકુ સાથે પાછો ફર્યો હતો. તેણે સાનુના હાથ અને પેટ પર ચાકુના ઘા ઝીંક્યા હતા. આ ઘટનામાં પણ ચાકુ તૂટી ગયું હતું અને તેનો ટુકડો સોનુની પાંસળીઓ નીચે ફસાઈ ગયો હતો. ગંભીર હાલતમાં તેને રાજાવાડી હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે સાયન હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. પંતનગર પોલીસે આરોપી શેખની ધરપકડ કરી હતી.