Sun May 31 2026

Logo

મહિલાઓને વાતચીતમાં ફોસલાવીને દાગીના પડાવનારા ત્રણ પકડાયા

2026-04-05 17:01:00
Author: Yogesh C Patel
Article Image

 

મુંબઈ-નવી મુંબઈમાં અનેક મહિલાઓને છેતરનારા આરોપી પાસેથી 15.46 લાખના દાગીના જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રસ્તા પરથી પસાર થનારી મહિલાઓને સાડી-કરિયાણાની લાલચ બતાવી વાતોમાં ફોસલાવીને તેમના સોનાના દાગીના પડાવી રફુચક્કર થઈ જનારી ટોળકીના ત્રણ સભ્યને પોલીસે પકડી પાડ્યા હતા. મુંબઈ-નવી મુંબઈમાં અનેક મહિલાઓને છેતરી ચૂકેલા આરોપી પાસેથી 15.46 લાખ રૂપિયાના સોનાના દાગીના હસ્તગત કરવામાં આવ્યા હતા.

સાકીનાકા પોલીસે ધરપકડ કરેલા ત્રણેય આરોપીની ઓળખ સંતોષ ગંગારામ ચૌરે (55), બાલાજી રોહિદાસ પવાર (25) અને લક્ષ્મણ રોહિદાસ પવાર (22) તરીકે થઈ હતી. કલ્યાણમાં રહેતા ત્રણેય આરોપીની પૂછપરછમાં મુંબઈ-નવી મુંબઈના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા 13 ગુના ઉકેલાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ રસ્તે એકલી ચાલતી જતી મહિલાને ટાર્ગેટ કરતા હતા. અમારી શેઠાણીને પુત્ર જન્મ્યો હોવાની ખુશીમાં શેઠ દ્વારા સાડી અથવા કરિયાણાની વહેંચણી કરવામાં આવી રહી છે. આ માટે ગરીબ મહિલા હોવાનું દેખાડવા પહેરેલા દાગીના કાઢીને એક થેલીમાં મૂકવાનું આરોપીઓ કહેતા. વિશ્ર્વાસ સંપાદન કર્યા પછી મહિલાને વાતોમાં ફોસલાવીને તેના દાગીના પડાવી આરોપી ફરાર થઈ જતા હતા.
સાકીનાકાના મોહિલી વિલેજ પાઈપલાઈન વિસ્તારમાં 24 માર્ચે એક મહિલાને આ જ રીતે છેતરી અંદાજે બે લાખ રૂપિયાના દાગીના પડાવવામાં આવ્યા હતા. આ કેસની તપાસમાં સાકીનાકા પોલીસે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે મુખ્ય આરોપી સંતોષ ચૌરેને ઓળખી કાઢ્યો હતો. સંતોષ વિરુદ્ધ આ જ રીતે છેતરપિંડીના મુંબઈના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 26 જેટલા ગુના નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે.
ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી સંતોષને ડોમ્બિવલીથી તાબામાં લેવાયો હતો. તેની પાસેથી પોલીસને ગુનામાં તેના સાથી એવા બે ભાઈઓ બાલાજી અને લક્ષ્મણના મોબાઈલ નંબર મળ્યા હતા. મોબાઈલ ટ્રેસ કરીને બન્નેને શિર્ડીથી પકડી પાડવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.