Mon May 25 2026

Logo

રેલવે પોલીસનું 'ઓપરેશન મુસ્કાન': 5 વર્ષમાં 2,100થી વધુ ગુમ થયેલા બાળકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન

2026-05-25 20:12:27
Author: Mumbai Samachar Team
Article Image

 મુંબઈ: મુંબઈ પોલીસ છેલ્લા 5 વર્ષથી 'ઓપેરશન મુસ્કાન' અંતર્ગત અત્યાર સુધીમાં 2,117 જેટલા બાળકો અને 345 જેટલા વયસ્કોનો તેમના પરિવાર સાથે ભેટો કરાવવામાં સફળ રહી છે. NGOની મદદથી એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આ બાળકોની શોધખોળ કરવામાં આવી રહી હતી, જે કારગર નીવડી હતી.

વર્ષ 2021ની પોલીસ વિગતો મુજબ 6000 જેટલા લાપતા બાળકોને તેમના પરિવાર સાથે ફરી મેળાપ કરાવવામાં આવ્યો હતો.ફક્ત જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચેની વિગતો મુજબ GRP દ્વારા 173 બાળકો અને 27 વયસ્કોને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું, જેમાં એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો મહત્વનો ફાળો રહ્યો હતો. વર્ષ 2021 અને 2026 વચ્ચે AHTU ટીમ દ્વારા 167 કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં 109 બાળકી અને 58 બાળકો હતા.

ઓપરેશન મુસ્કાન મહારાષ્ટ્ર સીમા બહાર પણ હાથ ધરવામાં આવે છે, જેમાં ખોવાયેલ બાળકો, ઘરેથી કોઈ કારણોસર ભાગી ગયેલા લોકોને રેલવે સ્ટેશન તેમ જ અન્ય જાહેર સ્થળોએથી બચાવીને તેમના પરિવારને સોંપવામાં આવે છે. બાંદ્રા આસિસ્ટન્ટ કમિશનર કિશોર શિંદેના અહેવાલ મુજબ મુંબઈમાં પ્રવાસ સરળ અને સસ્તો હોવાથી ઘરથી ભાગેલું બાળક મુંબઈના રેલવે સ્ટેશનો પર વધુ મળી આવે છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ બાળકોના ઘર છોડવા પાછળના કારણોમાં ભણતરનોભાર, ગરીબી, બેરોજગારી તેમ જ ઘરની જવાબદારીનો બોજ જેવી બાબતો મુખ્ય ભાગ ભજવે છે.GRP વિગતો મુજબ 2021માં 5 અને 2025માં 931 બાળકોને બચાવવામાં આવ્યા હતા.ગતવર્ષે  જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે અન્ય 173 બાળકોને તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા.

એપ્રિલમાં રેલવે પોલીસ દ્વારા ઝારખંડથી અસાનસોલ-મુંબઈ એક્સપ્રેસમાં એકલા પ્રવાસ કરનારા 7 બાળકોને બચાવવામાં આવ્યા હતા. અન્ય કેસમાં કલ્યાણ સ્ટેશન પરથી મૂળ ઝારખંડનો એક 14 વર્ષીય બાળક પણ મળી આવ્યો હતો. મુંબઈની લોકલ ટ્રેન હોય કે એક્સપ્રેસ મેલ ટ્રેન, પરંતુ બહારગામથી મુંબઈ આવનારા બાળકોની સંખ્યામાં દર વર્ષે વધારો થતો હોય છે, તેથી સતર્કતાને કારણે રેલવે પ્રશાસન દ્વારા ઓપરેશન મુસ્કાન ચલાવવામાં આવે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.