માત્ર 179 દિવસમાં 5 કરોડ લોકોએ કર્યો મુસાફરી; ટ્રાફિક અને સમયની બચતથી વધ્યો ક્રેઝ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સાર્વજનિક પરિવહનનું ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે અને તેમાં મેટ્રો શહેરની નવી સુરક્ષિત 'લાઈફલાઈન' તરીકે ઊભરી રહી છે. સમયની બચત, આરામદાયક અને સુરક્ષિત મુસાફરીને કારણે દરરોજ લાખો મુંબઈગરાઓ મેટ્રોને પ્રવાસ માટેની પ્રથમ પસંદગી બનાવી રહ્યા છે. આ વધતા વિશ્વાસનું જ પરિણામ છે કે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ) સંચાલિત મુંબઈ મેટ્રો નેટવર્કે સેવા શરૂ થયાના ચાર વર્ષથી પણ ઓછા સમયમાં 30 કરોડ મુસાફરોનો ઐતિહાસિક આંકડો પાર કર્યો છે.
ત્રીજી ઓગસ્ટ, 2026ના મેટ્રો લાઇન 2A, 7, 2B (પ્રથમ તબકકા) અને 9 (પ્રથમ તબકકા) પર આ સિદ્ધિ નોંધાઈ હતી. ખાસ વાત એ છે કે છેલ્લી 5 કરોડ મુસાફરી માત્ર છેલ્લા 179 દિવસમાં નોંધાઈ છે, આ બંને લાઇન શરૂ થતાં નેટવર્કમાં નવ નવા સ્ટેશનો ઉમેરાયા હતા, જેના કારણે પશ્ચિમ ઉપનગરો અને મુંબઈ મહાનગર પ્રદેશના અન્ય વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે.

2 એપ્રિલ, 2022ના રોજ મેટ્રો લાઈન 2A અને 7 શરૂ થયા બાદ મુસાફરોની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર 2022માં મેટ્રોએ 50 લાખ મુસાફરીનો આંક પાર કર્યો હતો. ત્યારબાદ સપ્ટેમ્બર 2023માં 5 કરોડ, મે 2024માં 10 કરોડ, જાન્યુઆરી 2025માં 15 કરોડ, ઓગસ્ટ 2025માં 20 કરોડ, ફેબ્રુઆરી 2026માં 25 કરોડ અને હવે 30 કરોડ મુસાફરીનો સીમાચિહ્ન સર કર્યો છે.
એમએમઆરડીએના અધિકારીઓએ આપેલા આંકડા મુજબ, હાલ મુસાફરોની વૃદ્ધિનો દર 23 ટકાથી વધુ છે. પ્રથમ 50 લાખ મુસાફરી પછી દૈનિક સરેરાશ મુસાફરોની સંખ્યામાં લગભગ 9.4 ગણો વધારો નોંધાયો છે. આ વધારો દર્શાવે છે કે મેટ્રો હવે માત્ર વૈકલ્પિક પરિવહન નથી રહી, પરંતુ મુંબઈગરાઓના રોજિંદા જીવનનો અનિવાર્ય ભાગ બની રહી છે.
આ પ્રકરણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે 30 કરોડ મુસાફરી માત્ર એક આંકડો નથી, પરંતુ આધુનિક, કાર્યક્ષમ અને ટકાઉ જાહેર પરિવહન વ્યવસ્થા પર મુંબઈકરોએ મૂકેલા વિશ્વાસનું પ્રતિબિંબ છે. દરેક મેટ્રો મુસાફરી ઝડપી, સુરક્ષિત અને સ્વચ્છ પરિવહન તરફ લોકોના બદલાતા વલણને દર્શાવે છે.
નાયબ મુખ્ય પ્રધાન તથા એમએમઆરડીએના અધ્યક્ષ એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, "30 કરોડ મુસાફરીનો આંકડો મુંબઈગરાઓના વિશ્વાસની સાબિતી છે. હવે વિશ્વસ્તરીય મેટ્રો સેવા મુંબઈની બહાર ઠાણે સહિત સમગ્ર મુંબઈ મહાનગર પ્રદેશ સુધી પહોંચાડવાનો અમારો સંકલ્પ છે."
એમએમઆરડીએના મહાનગર કમિશનર તથા મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડના અધ્યક્ષ ડૉ. સંજય મુખર્જીએ જણાવ્યું હતું કે છેલ્લી 5 કરોડ મુસાફરી માત્ર 179 દિવસમાં પૂર્ણ થવી અને દરરોજ સરેરાશ લગભગ 2.8 લાખ મુસાફરો મેટ્રોનો ઉપયોગ કરવો એ દર્શાવે છે કે મેટ્રો હવે મુંબઈના રોજિંદા જીવનની અભિન્ન લાઈફલાઈન બની ગઈ છે.
મુંબઈમાં વધતા ટ્રાફિક, લાંબા પ્રવાસના સમય અને પ્રદૂષણ વચ્ચે મેટ્રો હવે લાખો લોકો માટે સુરક્ષિત, સમયબદ્ધ અને વિશ્વસનીય પરિવહનનું માધ્યમ બની રહી છે. 30 કરોડ મુસાફરીનો આંકડો માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ એ વાતનો પુરાવો છે કે મુંબઈગરાઓ માટે મેટ્રો હવે શહેરની નવી લાઈફલાઈન બની ગઈ છે. ટૂંક સમયમાં મેટ્રોના બીજા રૂટ શરુ થશે ત્યારે આ સંખ્યા બમણી થાય તેવી આશા પણ નિષ્ણાંતોએ વ્યક્ત કરી હતી.