(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં અમલમાં મૂકવામાં આવેલી ‘પેડસ્ટ્રીયન્સ ફર્સ્ટ’ ઝુંબેશ હેઠળ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અશ્ર્વિની ભીડેએ સોમવારે મુંબઈમાં જુદા જુદા વિસ્તારમાં ઈન્સ્પેકશન કર્યું હતું અને લાઇસન્સ ધરાવતા ફેરિયાઓએ મંજૂર કરાયેલી જગ્યાથી વધુ જગ્યા પર જો કબજો જમાવ્યો હોય તો તેમની સામે આકરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
ગયા અઠવાડિયે સ્થાયી સમિતિની બેઠકમાં નગરસેવકો દ્વારા આ ઝુંબેશની ગ્રાઉન્ડ લેવલ પર નબળા સ્તરે કરવામાં આવી રહેલા અમલીકરણ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. કમિશનરે સોમવારે દક્ષિણ મુંબઈના પાંચ વોર્ડ સહિત નાના ચોક, ગ્રાન્ટ રોડ, તાડદેવ, નાયર હૉસ્પિટલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગ, લોકમાન્ય તિલક માર્ગ, મરીન લાઇન્સ, ચંદનવાડી અને ક્રૉફર્ડ માર્કેટ સહિતના મુખ્ય સ્થળોની મુલાકાત લીધી હતી. એ દરમ્યાન તેમણે ફૂટપાથની સ્થિતિ અને સમારકામની જરૂરિયાતો પર ભાર આપ્યો હતો.
કમિશનરે આ સ્થળોના ઈન્સ્પેકશન દરમ્યાન મુખ્યત્વે ફૂટપાથની હાલની સ્થિતિ, ક્ષતિગ્રસ્ત અથવા ખરાબ થયેલા પેચિસ ઓળખવા અને જરૂરી સમારકામ અને સુધારાઓનો અવકાશ નક્કી કરવા પર કેન્દ્રિત હતું. કમિશનરે અધિકારીઓને તમામ અતિક્રમણ અને અવરોધો દૂર કરીને ફૂટપાથની હાલત સુધારવા, સુંદર બનાવવા અને સુરક્ષિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે વૃક્ષોના મૂળને સુરક્ષિત કરવા, યોગ્ય કાપણી કરવા અને નિયમનો અનુસાર જોખમી વૃક્ષોને વૈજ્ઞાનિક રીતે દૂર કરવા પર પણ ભાર મૂક્યો હતો. તેમ જ ફેરિયાઓને લાઈસન્સમાં જેટલી જગ્યા મંજૂર કરી આપવામાં આવી હોય તેના કરતા વધુ જગ્યા તેમના દ્વારા વાપરવામાં આવતી હોય તો તેવા ફેરિયાઓ સામે કડક કાર્યવાહી કરવાનો તેમણે નિર્દેશ આપ્યો હતો.
ઈન્સ્પેકશન દરમ્યાન કમિશનરે વ્યક્તિગત રીતે ફેરિયાના લાયસન્સની ચકાસણી કરી અને વિક્રેતાઓ અને તેમના પ્રતિનિધિઓને પદયાત્રીઓની અવરજવરમાં અવરોધ ન આવે તે માટે નિયુક્ત વિસ્તારોમાં કડક રીતે કામ કરવા અને સ્વચ્છતા જાળવવા સૂચના પણ આપી હતી. તેમણે કચરા વ્યવસ્થાપન સુવિધાઓ અને મુખ્ય કચરાના જોખમી સ્થળોએ પણ ઈન્સ્પેકશન કર્યું હતું અને અધિકારીઓને ‘નો લિટરિંગ’ સાઇનેજ બેસાડવા, વારંવાર એક જ જગ્યાએ કચરો ફેંકવામાં આવતો હોય ત્યાં સીસીટીવી કેમેરા ગોઠવવા, સૂકા અને ભીના કચરાના અલગીકરણ અને લેબલિંગને મજબૂત બનાવવાનો નિર્દેશ આપ્યો.
આ અભિયાનના પહેલા તબક્કામાં ૨૦૦ ફૂટપાથ પર કામ કરવામાં આવવાનું છે, જેમાં ૮૧ પર કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ ૬૮ કિ.મી. ફૂટપાથ સાફ કરવામાં આવી છે, જેમાં ૪૪૩ અમલીકરણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પહેલ રેલવે અને મેટ્રો સ્ટેશનો, શાળાઓ, કોલેજો, હૉસ્પિટલો, પાલિકા અને સરકારી કચેરીઓ, ધાર્મિક સ્થળોએ આવેલી ફૂટપાથ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ ઝુંબેશના ભાગ રૂપે પાલિકા સમગ્ર મુંબઈમાં સલામત અને અવરોધરહિત રાહદારીઓની અવરજવર સુનિશ્ર્ચિત કરવા માટે અતિક્રમણ, અનધિકૃત બાંધકામો, ફેરિયાઓના અવરોધો, સાઇનબોર્ડ, બેનરો અને અન્ય અવરોધોને દૂર કરી રહી છે.