Thu Oct 01 2026

Logo

હવે લોકલનો પાસ કઢાવવો પડશે મોંઘો! 15મી ઓક્ટોબરથી લાગુ થશે નવો નિયમ, પ્રવાસીઓમાં ભારે રોષ...

2026-09-21 15:29:05
Author: Darshana Visaria
હવે લોકલનો પાસ કઢાવવો પડશે મોંઘો! 15મી ઓક્ટોબરથી લાગુ થશે નવો નિયમ, પ્રવાસીઓમાં ભારે રોષ...

મુંબઈઃ મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેનમાં રોજબરોજ પ્રવાસ કરતા લાખો પાસધારકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાના નવા નિયમો હેઠળ હવે રેલવે મુસાફરોએ પણ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે અને પ્રવાસીઓ પર આ નવા નિયમથી વધારાનું ભારણ પડશે. ચાલો જોઈએ શું અસર પડશે પ્રવાસીઓ પર આ નવા નિયમની અસર...

આગામી ૧૫ ઓક્ટોબર ૨૦૨૬થી રેલવે કાઉન્ટર કે ઓનલાઈન એપ પરથી યુપીઆઈ દ્વારા ₹૨,૦૦૦ કે તેથી વધુ મૂલ્યની ટિકિટ અથવા લોકલ ટ્રેનનો સિઝન પાસ ખરીદવા પર વધારાનો સર્વિસ ચાર્જ વસૂલવામાં આવશે. આ નવા નિયમથી ખાસ કરીને મુંબઈ લોકલના ફર્સ્ટ ક્લાસ અને એસી લોકલના માસિક, ત્રિમાસિક કે છમાસિક પાસ કઢાવનારા લાખો પ્રવાસીઓને સીધો આર્થિક ફટકો પડશે.

કેટલો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે? (MDR અને GST):

રૂપિયા 5.90નો વધારાનો બોજ:
 

જો તમે UPI દ્વારા રૂપિયા 2,000થી વધુની રેકમના ટિકિટ કે પાસનું પેમેન્ટ કરશો, તો તેના પર ફ્લેટ રૂપિયા પાંચ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) અને તેના પર 18 ટકા લેખે રૂપિયા 0.90 જીએસટી (GST) મળીને કુલ રૂપિયા 5.90નો વધારાનો ચાર્જ લાગશે.

કોને થશે સૌથી વધુ અસર?: 

સેકન્ડ ક્લાસના પાસધારકોના દરો સામાન્ય રીતે રૂપિયા 2000થી ઓછા હોવાથી તેમને આ ચાર્જ નહીં લાગે, પરંતુ ફર્સ્ટ ક્લાસ અને એસી લોકલ (AC Local)ના પ્રવાસીઓ કે જેમના પાસના દર રૂપિયા 2000થી વધુ હોય છે, તેમને હવે દરેક વખતે રૂપિયા 5.90 વધુ ચૂકવવા પડશે.

વિવિધ રૂટ પર એસી અને ફર્સ્ટ ક્લાસ પાસના બદલાતા ભાવ:

સીએસએમટીથી પનવેલ (એસી પાસ- એક મહિનો): વર્તમાન દર રૂપિયા 2750 છે, જે હવે એમડીઆર લાગુ થયા બાદ વધીને રૂપિયા 2,755.90 થશે.
સીએસએમટીથી કલ્યાણ (એસી પાસ- એક મહિનો): વર્તમાન દર રૂપિયા 2,340 છે, જે વધીને રૂપિયા 2,345.90 થઈ જશે.
સીએસએમટીથી કલ્યાણ (ફર્સ્ટ ક્લાસ પાસ- 3 મહિના): હાલમાં રૂપિયા 3,295નો પાસ છે, જેના માટે 15મી ઓક્ટોબર પછી રૂપિયા 3,300.90 ચૂકવવા પડશે.
સીએસએમટીથી થાણે (એસી પાસ- 3 મહિના): વર્તમાન રૂપિયા 4,815ના પાસ પર પણ વધારાનો એમડીઆર ચાર્જ લાગુ થશે.

પ્રવાસી સંગઠનોમાં ભારે નારાજગી:

રેલવે પેસેન્જર એસોસિએશન્સ અને કન્સલ્ટેટિવ કમિટીના સભ્યોએ આ નિર્ણયનો સખત વિરોધ નોંધાવ્યો છે. પ્રતિનિધિઓનું કહેવું છે કે મુંબઈ લોકલમાંથી રોજના 75થી 80 લાખ સામાન્ય નાગરિકો પ્રવાસ કરે છે. કેન્દ્ર સરકારે ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે યુપીઆઈ શરૂ કરાવ્યું હતું, પરંતુ હવે પ્રવાસીઓ પર આવો નાનો-મોટો આર્થિક બોજ લાદવાને બદલે રેલવે પ્રશાસને જાતે આ ખર્ચ ભોગવવો જોઈએ અથવા નાણા મંત્રાલય સમક્ષ મુક્તિની માગણી કરવી જોઈએ.