Thu Jun 18 2026

Logo

મુંબઈ 14 વર્ષે સીઝનની પ્રથમ મૅચ જીત્યું, રોહિત-રાયન મૅચવિનર્સ

2026-03-29 23:42:00
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં રવિવારે કોલકાતા (20 ઓવરમાં 4/220) સામે મુંબઈ (19.1 ઓવરમાં 4/224)એ હોમ-ક્રાઉડના સપોર્ટ વચ્ચે શાનદાર પર્ફોર્મન્સ સાથે છ વિકેટે વિજય મેળવ્યો હતો અને એ સાથે, મુંબઈની ટીમ આઇપીએલની સીઝનમાં પોતાની પ્રથમ મૅચ જીતી હોય એવું 2012 બાદ (14 વર્ષે) પહેલી વખત બન્યું છે. રોહિત શર્મા (78 રન, 38 બૉલ, છ સિક્સર, છ ફોર) અને સાથી ઓપનર રાયન રિકલ્ટન (81 રન, 43 બૉલ, આઠ સિક્સર, ચાર ફોર)ની જોડીએ 148 રનની ભાગીદારીથી મુંબઈ માટે મુશ્કેલ લાગતો વિજય શક્ય અને આસાન બનાવ્યો હતો.

સાંજે કોલકાતાના અજિંક્ય-ઍલનની પ્રારંભિક જોડીએ બૅટિંગ મળ્યા બાદ 69 રનની ધમાકેદાર ભાગીદારીથી ટીમને 220 રનનો મોટો સ્કોર અપાવ્યો એના રાત્રે જવાબમાં મુંબઈને રોહિત-રાયનની ઓપનિંગ જોડીએ દાવની સુપર-ડુપર શરૂઆત કરાવી આપી હતી. પહેલી નવ ઓવરમાં તેમણે 12.44ના રનરેટ સાથે 112 રનનો ખડકલો કરી દીધો હતો. બન્ને ઓપનરમાંથી રોહિત શર્માએ 23 બૉલમાં તો રાયન રિકલ્ટને 24 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. એમાં રોહિતની પાંચ તો રાયનની છ સિક્સર હતી. કોલકાતાના વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણ જેવા દિગ્ગજ સહિતના છ બોલરનો આ જોડી સામે કોઈ જવાબ નહોતો.

એ પહેલાં, પ્રથમ બૅટિંગનો મોકો મળતાં કોલકાતાએ દમદાર શરૂઆત કરી હતી. અજિંક્ય રહાણે (67 રન, 40 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર) અને સાથી ઓપનર ફિન ઍલન (37 રન, 17 બૉલ, બે સિક્સર, છ ફોર) આ શાનદાર ઇનિંગ્સના બે પ્રારંભિક હીરો હતા. જોકે વિકેટકીપર અંગક્રિશ રઘુવંશી (51 રન, 29 બૉલ, બે સિક્સર, છ ફોર) તેમ જ રિન્કુ સિંહ (33 અણનમ, 21 બૉલ, ચાર ફોર)ના પણ 220 રનમાં મહત્ત્વના યોગદાન હતા.
મુંબઈ વતી ચારમાંથી પહેલી ત્રણેય વિકેટ પેસ બોલર શાર્દુલ ઠાકરે અને એક વિકેટ હાર્દિકે લીધી હતી. બુમરાહ, બૉલ્ટ, માર્કન્ડેને વિકેટ નહોતી મળી. અફઘાનના નવા સ્પિનર ગઝનફરની ચાર ઓવરમાં 51 રન બનતાં તેનું ડૅબ્યૂ નિરાશાજનક રહ્યું હતું.

સોમવારે કઈ મૅચ?

ગુવાહાટીમાં સોમવારે રાજસ્થાન વિરુદ્ધ ચેન્નઈની મૅચ (સાંજે 7.30 વાગ્યાથી) રમાશે. રિયાન પરાગ રાજસ્થાનનો અને ઋતુરાજ ગાયકવાડ ચેન્નઈનો કૅપ્ટન છે. ચેન્નઈની ટીમમાં ઈજાગ્રસ્તો ધોની અને આક્રમક બૅટ્સમૅન ડેવાલ્ડ બ્રેવિસનો સમાવેશ નથી. રાજસ્થાનના 15 વર્ષીય લેફ્ટ-હૅન્ડ ઓપનર વૈભવ સૂર્યવંશી પર સૌની નજર રહેશે.