(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈમાં ગણેશોત્સવની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. શહેરના પ્રતિષ્ઠિત જીએસબી સેવા મંડળ દ્વારા આ વર્ષે ભવ્યતા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતો ગણેશોત્સવ યોજવાની તૈયારીઓ કરવામાં આવી છે. ગણપતિના ભવ્ય શણગારથી લઈને વિશાળ અન્નદાન સેવા અને સુરક્ષા વ્યવસ્થા સુધી, મંડળે અનેક ખાસ તૈયારીઓ કરી છે, ત્યારે આ વખતે બાપ્પાના ઈન્શ્યોરન્સના કવર અંગે જોરશોરથી વાતો ચાલી રહી છે.
આ વર્ષે જીએસબી સેવા મંડળે ગણેશોત્સવ માટે ₹ 703.27 કરોડનું વીમા કવર લીધું છે. ગયા વર્ષે જીએસબી સેવા મંડળે ગણેશોત્સવ માટે 474.46 કરોડ રૂપિયાનો વીમો ખરીદ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તો મહાગણપતિના દર્શન માટે ઉમટી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ભક્તોની સુરક્ષા અને સમગ્ર આયોજનની જવાબદારી માટે આ વીમા કવર લેવામાં આવ્યું હોવાનું મંડળે જણાવ્યું છે. જીએસબી સેવા મંડળના મહાગણપતિનો ભવ્ય શણગાર દર વર્ષે મુંબઈમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. આ વર્ષે પણ મહાગણપતિને 66 કિલોથી વધુ સોનાના આભૂષણોથી શણગારવામાં આવશે.
સાથે જ 335 કિલોથી વધુ ચાંદી ઉપરાંત કિંમતી રત્નો અને અન્ય સામગ્રીનો પણ શણગારમાં ઉપયોગ થશે. મંડળના જણાવ્યા અનુસાર આમાંથી મોટા ભાગના આભૂષણો અને કિંમતી વસ્તુઓ ભક્તો દ્વારા દાન સ્વરૂપે આપવામાં આવી છે.ભવ્ય આયોજન વચ્ચે આ વર્ષે મંડળે પર્યાવરણ સંરક્ષણને પણ કેન્દ્રમાં રાખ્યું છે. ‘ગો ગ્રીન’ થીમ હેઠળ અનેક વ્યવસ્થાઓને ડિજિટલ કરવામાં આવી છે.
દાનની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ કરવામાં આવી છે અને પ્રિન્ટેડ રસીદોની પ્રથા બંધ કરવામાં આવી છે. આ પગલાથી કાગળનો ઉપયોગ અને બગાડ ઘટાડવાની સાથે સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહાગણપતિની મૂર્તિ પણ પર્યાવરણને અનુકૂળ રીતે તૈયાર કરવામાં આવી છે. એટલે કે, આ વર્ષે જીએસબીનો ગણેશોત્સવ ભવ્યતા સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ પણ આપશે.અને કોઈ પણ પ્રકારના ડોનેશન માત્ર ઓનલાઈન સ્વીકારવામાં આવશે તેવી માહિતી જીએસબી ગણેશોત્સવ મંડળના કોર્ડિનેટર પ્રજજવલ કામતે 'મુંબઈ સમાચાર'ને જણાવ્યું હતું.
જીએસબી સેવા મંડળની અન્નદાન સેવા પણ ગણેશોત્સવનું વિશેષ આકર્ષણ છે. મંડળના જણાવ્યા અનુસાર દરરોજ 40,000થી વધુ લોકો પ્રસાદ ભોજનગ્રહણ કરે છે. પાંચ દિવસના ગણેશોત્સવ દરમિયાન અંદાજે 2 લાખથી વધુ ભક્તો અન્નદાન સેવાનો લાભ લે છે. ભક્તોને પરંપરાગત રીતે કેળાના પાન પર પ્રસાદ પીરસવામાં આવે છે.
મહાગણપતિના દર્શન ઉપરાંત ભક્તો વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ ભાગ લે છે. મંડળના જણાવ્યા અનુસાર, દર વર્ષે સરેરાશ 1 લાખથી વધુ પૂજા અને સેવાઓ ભક્તો તથા સેવાદારો દ્વારા અર્પણ કરવામાં આવે છે. પૂજા, અર્ચના, સેવા, અન્નદાન, અને ગણહોમ સહિતના વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો વૈદિક પરંપરા અને શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર કરવામાં આવે છે.
મહાગણપતિના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચવાની સંભાવનાને પગલે મંડળ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ માટે જ ₹703.27 કરોડનું વીમા કવર લેવામાં આવ્યું છે. આ વર્ષે GSB સેવા મંડળનો ગણેશોત્સવ એક અનોખું સંયોજન રજૂ કરશે—એક તરફ વૈદિક પરંપરા અને ભવ્ય સોના-ચાંદીનો શણગાર, તો બીજી તરફ ડિજિટલ વ્યવસ્થા અને ‘ગો ગ્રીન’નો સંદેશ. મહાગણપતિનો શાહી દરબાર, વિશાળ અન્નદાન સેવા અને પર્યાવરણને અનુકૂળ પહેલને કારણે GSB સેવા મંડળનો આ વર્ષનો ગણેશોત્સવ મુંબઈના સૌથી ભવ્ય અને ચર્ચિત ગણેશોત્સવોમાંનો એક બનવા જઈ રહ્યો છે.