પંજાબના બે આરોપી 2022થી હત્યાના કેસમાં ફરાર હતા: પોલીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) નજીક ઘાતક શસ્ત્રો વેચવા આવેલી ત્રિપુટીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ખંડણી વિરોધી શાખાએ ઝડપી પાડી હતી. ત્રણેય આરોપી પાસેથી વિદેશી બનાવટની ત્રણ પિસ્તોલ અને 45 જીવંત કારતૂસ જપ્ત કરવામાં આવી હતી. આમાંના બે આરોપી પંજાબના રહેવાસી હોઇ તેઓ 2022થી હત્યાના કેસમાં ફરાર હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
ખંડણી વિરોધી શાખાએ ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ પંજાબના પટિયાલાના જશનપ્રિત મંગલસિંહ (24), સુરવિંદર ચંદ્રપાલ (24) તેમ જ રાજસ્થાનના ઝાલાવાડના અરબાઝ અનવર ચૌધરી (34) તરીકે થઇ હતી. તેમની વિરુદ્ધ એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ કહ્યું હતું.ખંડણી વિરોધી શાખાના અધિકારીને માહિતી મળી હતી કે અમુક શખસો ઘાતક શસ્ત્રો વેચવા માટે શુક્રવારે રાતે સીએસએમટી નજીક પી. ડિમેલો રોડ પર સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ પાસે આવવાના છે. આથી પોલીસની ટીમે રાતે ઉપરોક્ત સ્થળ છટકું ગોઠવ્યું હતું.
દરમિયાન એ સ્થળે આવેલા ત્રણ શખસની હિલચાલ શંકાસ્પદ જણાતાં પોલીસની ટીમે ત્રણેયને તાબામાં લીધા હતા. ત્રણેય જણની તલાશી લેવામાં આવતાં તેમની પાસેથી પિસ્તોલ અને કારતૂસો મળી આવી હતી. આરોપીઓ ઘાતક શસ્ત્રો કોને વેચવા માટે આવ્યા હતા, તેની તપાસ કરાઇ રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.